ગાંધીનગર, 06 નવેમ્બર, 2026 : Government approves establishment of ‘Gujarat Export Promotion Council’ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વ્યાપક ઓળખ અપાવવા તથા નાના-મોટા ઉદ્યોગોને વૈશ્વિક વેપારની તકોનો લાભ મળે તે માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) નામની વિશેષ હેતુવાળી સંસ્થા (SPV) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (જેઓ ઉદ્યોગ વિભાગનો હવાલો પણ ધરાવે છે)ના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના નિકાસલક્ષી પ્રયાસોને સમર્પિત સંસ્થાકીય માળખું મળશે. 3 નવેમ્બર, 2026ના ઠરાવ અનુસાર GEPCની સ્થાપના કંપની અધિનિયમ, 2013ની કલમ-8 હેઠળ રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની બિનનફાકારક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવશે. તેનું રજિસ્ટર્ડ કાર્યાલય ગાંધીનગર ખાતે રહેશે.
*નિકાસ વિકાસને ઔદ્યોગિક વિકાસની વ્યૂહરચના સાથે જોડવાનો પ્રયાસ*
ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા વધારવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીએ નિકાસ વિકાસને રાજ્યના ઔદ્યોગિક વિકાસના ત્રણ મુખ્ય આધારસ્તંભ પૈકીનો એક ગણાવ્યો હતો. ભારતને 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં ગુજરાતની ભૂમિકા મજબૂત કરવા તૈયાર કરાયેલા અહેવાલમાં નિકાસ માટે સમર્પિત સંસ્થાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.
આ જ દિશામાં ગુજરાત રાજ્ય ઇન્સટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા મે, 2025માં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના અંગે અહેવાલ તૈયાર કરાયો હતો. ત્યારબાદ તે બાબતે ઉદ્યોગ કમિશનરેટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
*MSME અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક બજારમાં પ્રવેશ માટે સહયોગ*
GEPCનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના MSME એકમો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવાનો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા હોવા છતાં વિદેશી બજારની માંગ, નિકાસ પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય નિયમો અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારીના અભાવે નિકાસની પૂરતી તકો મેળવી શકતા નથી. GEPC આવા ઉદ્યોગોને બજારની ઓળખ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશવાની વ્યૂહરચના, બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ અને હેન્ડહોલ્ડિંગ જેવી સેવાઓ પૂરી પાડશે.
ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોની ક્ષમતા વધારવા તાલીમ, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત દેશ-વિદેશના વેપાર મેળા અને માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સરકારી સંસ્થાઓ તથા વેપારી સંગઠનોના સહયોગથી તકો ઊભી કરવામાં આવશે.


