1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર
રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર

રથયાત્રાઃ સરસપુરમાં આજે બે લાખથી વધુ ભક્તો ભોજન લેશે, રૂમભરીને બુંદી-ફુલવડીનો પ્રસાદ તૈયાર

0
Social Share

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાનના મોસાળ સરસપુરમાં તો ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓ થનગની રહ્યા છે. અને રથયાત્રામાં જોડાયેલા બે લાખથી વધુ ભાવિકો માટે ભોજન માટે 14 રસોડાઓમાં રસોઈ બનાવવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે આજે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ રહી છે. જેમાં લાખો ભક્તો ભગવાનના દર્શન માટે અધીરા બન્યા છે. ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રા પહોંચે  ત્યારે રથયાત્રામાં જોડાતા અને દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. સરસપુરમાં કુલ 14થી 15 જગ્યાએ રસોડા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે મોટા અને બાકીના નાના રસોડા બનાવ્યા છે. વર્ષોથી સરસપુરવાસીઓ રથયાત્રામાં જોડાતા ભક્તોને ખુબ જ પ્રેમથી જમાડતા હોય છે. સરસપુરવાસીઓનું દરેક ભક્તોને જમાડવાનું સુંદર આયોજન હોય છે કે પાંચેક કલાકમાં લાખોની સંખ્યામાં ભક્તો જમી લેતા હોય છે. સરસપુરની મોટી સાળી વાળમાં સૌથી મોટું રસોડું યોજાશે જેમાં 35,000 ભક્તો જમતાં હોય છે.

મોસાળ સરસપુરમાં બુધવારે મોડી રાતથી જ અલગ-અલગ શેરીઓ અને વાડમાં રસોડા શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખુદ શેરીના લોકો અને મંડળના લોકો ભેગા મળી આખો દિવસ રસોઈનું આયોજન કરે છે. સરસપુરમાં મોટા રસોડામાં કુલ 30થી 35 હજાર લોકો જમે તેવું આયોજન કરાય છે. જ્યારે નાના રસોડામાં 8થી 10 હજાર લોકો જમે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરેક શેરી અને વાડમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે. બુંદી, મોહનથાળ, મગસ, પુરી અને બટાકાનું શાક જેવા વાનગીઓ બનાવવામાં આવે છે. સરસપુર યુવા ગ્રુપના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોટી સાળવી પોળમાં સૌથી મોટું રસોડું છે. સરસપુરમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલું રસોડું આવે છે જેથી મોટી સંખ્યામાં ભક્તો આ પોળમાં જમે છે. અમે બેસાડીને જમાડવાની જગ્યાએ બુફે સિસ્ટમથી જમાડીએ છીએ જેનાથી ઝડપથી અને વધુમાં વધુ લોકો પ્રસાદીનો લાભ લઇ શકે. બે દિવસથી બુંદી અને ફૂલવડી બનાવવાની શરુ કરવામાં આવી છે. ગુરૂવારે રાતથી પોળની બહેનો દ્વારા પુરી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, અને વહેલી સવારે શાક બનાવવામાં આવી રહ્યુ છે.

સરસપુર ખાતે આવેલા નાના-મોટા આ રસોડામાં બે દિવસ પહેલાંથી જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવે છે. જેમાં બે દિવસ પહેલા બુંદી અને મોહનથાળ બનાવીને તૈયાર કરવામાં આવે છે. આગલા દિવસે એટલે કે ગુરૂવારથી પુરી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે ચાર વાગ્યે શાક બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. 10 વાગ્યાથી ભક્તોનો ધસારો શરૂ થતાની સાથે જ જમણવાર શરૂ કરી દેવામાં આવે છે. સરસપુર ખાતે છેલ્લા અનેક વર્ષોથી જમણવાર યોજવામાં આવતો હોય છે. સાંજે ચાર વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેતો હોય છે. પોળની બહેનો દ્વારા વેલણ અને પાટલીઓ લઈ અને રાત્રે વણવા પહોંચી જતા હોય છે. ગુરૂવારે વહેલી સવાર સુધી પુરીઓ વણાતી હોય છે. વહેલી સવારે ભગવાન જગન્નાથજીના રથ ખેંચીને એક હજારથી વધુ ખલાસીઓ ભગવાનને સરસપુર મામાના ઘરે લાવતાં હોય છે. ત્યારે ખાસ કરીને માત્ર ખલાસીઓ ત્યાં જ પ્રસાદ લેતા હોય છે. ખલાસીઓ માટે ખાસ અલગથી વડવાળો વાસ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ખીચડી અને શાક જ બનાવવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code