Site icon Revoi.in

સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશનના સ્ટોરરૂમમાં આગ લાગતા રેકર્ડ બળીને ખાક

Social Share

સુરત, 27 મે, 2026 : Fire breaks out in storeroom of Bhestan railway station  શહેરના ભેસ્તાન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર આવેલા એક સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોઈને સ્ટેશન પર પ્રવાસીઓ અને રેલવે સ્ટાફમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પોણા કલાકની અંદર જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના  ભેસ્તાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી પતરાની કેબિનનો ઉપયોગ રેલવેના જરૂરી કાગળો અને સામાનના સ્ટોરેજ રૂમ તરીકે કરવામાં આવે છે. આ રૂમમાં રેલવે ડ્રાઈવરોની ડ્યુટી લિસ્ટ, ડેલી રિપોર્ટ્સના મહત્વના કાગળો તેમજ અન્ય પરચુરણ સામાન રાખવામાં આવ્યો હતો. દરમિયાન કેબિનમાં ચાલુ પંખામાં અચાનક શોર્ટ સર્કિટ થતા જોતજોતામાં આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી. કેબિનમાંથી અચાનક કાળો ધુમાડો બહાર નીકળવા લાગતા પ્લેટફોર્મ પર હાજર લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા.

આગની આ ઘટના અંગે તુરંત જ સ્થાનિક ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોની સમયસૂચકતાને કારણે પોણા કલાકની અંદર જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લાવી દેવાઈ હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

Exit mobile version