1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસી કબાબમાં હૈદરાબાદી હડ્ડી..? લાહૌલવિલાકુવત..
કોંગ્રેસી કબાબમાં હૈદરાબાદી હડ્ડી..? લાહૌલવિલાકુવત..

કોંગ્રેસી કબાબમાં હૈદરાબાદી હડ્ડી..? લાહૌલવિલાકુવત..

0
Social Share

ડૉ. શિરીષ કાશીકર

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને સમગ્રતયા મીડિયા અને જનસામાન્યનાં ભાજપના ભવ્ય વિજય ઉપરાંત બે ઘટનાઓની સત્વરે ચર્ચા શરૂ થઇ. પ્રથમ સુરતમાં “આપ”નો પગપેસારો અને બીજું અમદાવાદમાં ઓવૈસીની  ચગેલી “પતંગો “. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મુસ્લિમ બહુલ મતદારો વચ્ચે “પતંગ” બરાબર ચગી અને પંજાને સાત કાપા પાડી દીધા એટલે કે સાત બેઠકો કબજે કરી લીધી.  કોંગ્રેસનો ગઢ ગણાય તેવા વિસ્તારોમાં ઓવૈસીની એઆઈએમઆઈએમની જીતના શ્રીગણેશ એટલે કે બિસ્મિલ્લાહ થવાથી વારંવાર ધરતીકંપ જેવા હારના આંચકા અનુભવતી કોંગ્રેસ માટે સુનામી આવ્યા જેવી સ્થિતિ  થઈ છે. આવું કઈ રીતે થયું? શા માટે થયું? અને આ થવાની લાંબાગાળાની અસરો શું હોઈ શકે તેના પર થોડી વાત કરીએ. શરૂઆત કરીએ ઓવૈસીની પાર્ટીના પરિચય થી.

“ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇત્તેહાદુલ મુસલમીન” નો જન્મ વર્ષ ૧૯૨૭માં હૈદરાબાદમાં થયો. આ સંગઠનને નિઝામના આશીર્વાદ પ્રાપ્ત હતા અને જ્યારે મુસ્લિમ રાષ્ટ્ર (એટલે કે પાકિસ્તાન) બનાવવાની વાત આવી ત્યારે આ સંગઠને મહંમદ અલી ઝીણાની તરફેણ કરી હતી. જ્યારે ભારતીય સેનાએ હૈદરાબાદને ભારતમાં ભેળવવા ઘેરો ઘાલ્યો ત્યારે ભારત સામે આંખ ઉઠાવનારા રઝાકારો સાથે તેના કાર્યકર્તાઓ સંકળાયેલા હતા. ખેર, આઝાદી પછી તેના સ્થાપકોની અક્કલ ઠેકાણે આવવા લાગી અને સંગઠનનું નેતૃત્વ  ઓવૈસી કુટુંબ પાસે આવ્યું. જો કે તેમણે હૈદરાબાદમાં પોતાનો દબદબો ફેલાવવા અને ધાક જમાવેલી રાખવા બધા જ કાનૂની- ગેરકાનૂની રસ્તા અપનાવ્યા. પરિણામે કેટલાંક રાજકીય વર્તુળો તેને આજે પણ “હૈદરાબાદની શિવસેના” કહે છે. આ એક સંપૂર્ણપણે મુસ્લિમોનું, મુસ્લિમો માટેનું અને મુસ્લિમો દ્વારા ચાલતું રાજનૈતિક સંગઠન છે અને તેનો ધ્યેય સ્પષ્ટ છે, ભારતની રાજનીતિમાં એક શક્તિશાળી સામુદાયિક રાજનૈતિક શક્તિ બનવાનું.

પ્રારંભિક તબક્કામાં સંઘર્ષ કર્યા બાદ ઓવૈસીએ હૈદરાબાદમાં સત્તા મેળવી અને તેને જાળવી રાખ્યા બાદ ઓવૈસી બંધુઓ અસદુદ્દીન અને અકબરૂદ્દીને દેશની નગરપાલિકાઓ મહાનગરપાલિકામાં મુસ્લિમ મતદારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પહેલાં ૨૦૧૯માં બિહારની ચૂંટણીમાં તેમણે પાંચ બેઠકો કબજે કરી. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના અનુમાન પ્રમાણે બિહારમાં મહાગઠબંધનને ૭૬ ટકા મુસ્લિમોના મત મળ્યા હતા તેમાં સિફતપૂર્વક ભાગ પડાવી ઓવૈસીએ બેઠકો કબજે  કરી હતી.ત્યારબાદ  હૈદરાબાદ અને મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ તેના પક્ષે યા તો સત્તા મેળવી અથવા તો નોંધપાત્ર બેઠકો કબજે કરી લીધી. જોકે ઓવૈસીની યોજના એ માત્ર મુસ્લિમ કેન્દ્રિત પક્ષની નથી એ યોજનાપૂર્વક મુસ્લિમ+ દલિત+ આદિવાસી રાજનીતિમાં પગપેસારો કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે તેમણે ૨૦૧૯માં મહારાષ્ટ્ર વિધાનસભાનીચૂંટણી સમયે પ્રકાશ આંબેડકરની બહુજન વંચિત આઘાડી સાથે જોડાણ કર્યું હતું. હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન છોટુ વસાવાની બીટીપી સાથે જોડાણ કર્યું છે. ગુજરાતની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પછી એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં ઓવૈસીએ સ્પષ્ટ કહેલું કે અમારો પહેલો ધ્યેય સંગઠિત મુસ્લિમ રાજનીતિનો છે સાથેસાથે દલિતો અને આદિવાસીઓના “ઉત્કર્ષ” માટે કામ કરીશું.

ઓવૈસીનું ગુજરાતમાં નિશાન અમદાવાદ મહાનગર પાલિકાનો મુસ્લિમ બહુલ વિસ્તાર ઉપરાંત પંચાયતો અને નગરપાલીકાઓમાં ગોધરા, વાંકાનેર,અને ભરૂચ સહિતના આદિવાસી વિસ્તારો પણ છે. ત્યાં તેના ઉમેદવારોના પ્રચાર માટે એ કાર્યરત છે.આમ તો. અમદાવાદ મહાનગરપાલિકાના વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે ચાર બેઠકો બાપુનગર, દાણીલીમડા, જમાલપુર ખાડીયા અને દરિયાપુર અત્યારે કોંગ્રેસ પાસે છે પરંતુ હવે ઓવૈસીના “સાત પતંગોએ” દરિયાપુર સિવાયની ત્રણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ માટે જોખમ ઉભુ કરી દીધું છે. મજેદાર વાત એ છે કે અત્યાર સુધી ખાડિયામાં મુસ્લિમો પોકેટ્સમાં મત વિભાજન કરવા ભાજપને અપક્ષ મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખવા પડતા હતા એ કામ આ વખતે ઓવૈસીના ઉમેદવાર કરી આપ્યું,પરિણામ? કોંગ્રેસની ખાડિયામાં હાર. જોકે ઓવૈસીની પાર્ટી ભાજપની બી ટીમ છે એવો પ્રચાર કઈ ખાસ ચાલ્યો નથી અને કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી બેઠી છે એ વાસ્તવિકતા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં નોંધવા જેવી બાબત એ છે કે માત્ર ૨,૬૧,૮૭૪ મતો મળ્યા હોવા છતાં એઆઈએમઆઈએમના સાત ઉમેદવાર જીત્યા છે તો સામે બીજા સ્વતંત્ર પક્ષોને ૨,૬૭,૨૩૬ મતો મળવા છતાં તેમનો એક જ ઉમેદવાર જીત્યો છે. બસપાને ૨,૫૮,૩૬૬ મતો મળ્યા તો પણ તેના ત્રણ જ ઉમેદવારો જીતી શક્યા છે.

ખેર, આંકડા તો ઘણું કહી જાય છે પરંતુ આ સમગ્ર ઘટના રાજકીય સૂચિતાર્થો શું છે? પહેલી વાત તો એ કે “સેક્યુલર” કોંગ્રેસે મુસ્લિમ મતદારોમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું છે. રોડ, પાણી, વીજળી જેવા સ્થાનિક મુદ્દા પર લડાતી  ચૂંટણીમાં પણ મુસ્લિમ મતદારો છેક હૈદરાબાદથી આવેલા એક સ્થાનિક પક્ષના નેતાને મહત્વ આપતા હોય અને તેની વાતોને ગંભીરતાથી લેતા હોય તો એનો અર્થ સ્પષ્ટ છે કે આવનારી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અહીં વધુ નુકસાન સહન કરવાની તૈયારી રાખવી પડશે માત્ર એટલું જ નહીં પણ કોંગ્રેસે આ વિસ્તારોમાં તેના ધારાસભ્યોને પ્રજાના પ્રશ્નો ઉકેલવા રાત-દિવસ કામ લગાવવા પડશે કારણ કે તેમનો વિકલ્પ હવે મતદારો પાસે તૈયાર છે. આ ઉપરાંત માત્ર મુસ્લિમ કેન્દ્રિત રાજનીતિમાં ઓવૈસીએ કરેલું રાજનૈતિક પ્રદર્શન કોંગ્રેસના પરસેવા છોડાવવા કાફી છે. એટલે ઔરંગાબાદ, હૈદરાબાદ અને અમદાવાદમાં ઓવૈસીને મળેલી સફળતા આવનારા સમયમાં અન્ય નાના કેન્દ્રોમાં વસતા મુસ્લિમ મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેવાની છે જે સ્વાભાવિક પણે કોંગ્રેસની થાળીમાં જ ભાગ પડાવશે.

અહીં મુદ્દો માત્ર કોંગ્રેસના રાજનૈતિક નુકસાનનો નથી.ઓવૈસીની યોજનાના અન્ય બે પાસા દલિતો અને આદિવાસીઓમાં તે પાંખ ફેલાવવા માટે તૈયાર છે. ગુજરાતમાં તેણે છોટુ વસાવા સાથે આગોતરું જોડાણ કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પગપેસારો કરવાનો  પ્રારંભ કરી દીધો છે. રવિવારે થનારી નગરપાલિકાઓની ચૂંટણીમાં ભરુચ, ગોધરા, વાંકાનેરમાં પણ તેની ચોક્કસપણે અસર દેખાશે. લાંબા ગાળે ઓવૈસીના આ સમીકરણો ભાજપ માટે પણ મોટા પડકારો ઉભા કરી શકે છે કારણ કે સબળ સ્થાનિક દલિત-આદિવાસી નેતૃત્વ સાથે તેની હાથ મેળવણી સફળ થાય તો ભવિષ્યમાં ભાજપના કિલ્લામાં પણ છિદ્રો પડવાની શરૂઆત થઇ શકે. જો કે હાલ તો ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર છે પરંતુ રાજનીતિમાં ધીરજપૂર્વક, યોજનાબદ્ધ રીતે અને ખંતથી આગળ વધનારાઓને ક્યારે સફળતા મળશે એ કહેવું મુશ્કેલ હોય છે, પણ સફળતા મળે જરૂર છે તે ભાજપને અલગથી કહેવાની જરૂર નથી. એટલે ભાજપ માટે સમય વર્તે સાવધાનનો આ સંકેત છે. કોંગ્રેસને ઝડપથી કળ વળે અને મૂર્છામાંથી બેઠી થાય તેવી શુભકામના.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code