1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે, ગ્રામીણ કારીગરો તેની વસ્તુ વેચી શકશે
રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે, ગ્રામીણ કારીગરો તેની વસ્તુ વેચી શકશે

રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે, ગ્રામીણ કારીગરો તેની વસ્તુ વેચી શકશે

0
Social Share
  • ગ્રામીણ કારીગરો પોતાની વસ્તુઓ વેચી શકે તે માટે રાજકોટમાં બનશે અર્બન હાટ
  • 9 હજાર ચોરસ મીટર જગ્યા પર અર્બન હાટ બનાવવાનું આયોજન
  • અહીંયા હસ્તકલા કારીગરો, હાથશાળના કારીગરો તેમજ અન્ય કારીગરો પોતાના દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટને વેચી શકશે

રાજકોટ: ગ્રામીણ કારીગરો પોતાની અનેકવિધ વસ્તુઓનું એક જ સ્થળેથી વેચાણ કરી શકે તે હેતુસર સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અર્બન હાટ રાજકોટમાં બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક 9 હજાર ચોરસ મીટર જગ્યા પર અર્બન હાટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે જીલ્લા જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.

આ અંગે રાજકોટ જીલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, ઇન્ડેક્સ્ટ-સી દ્વારા કારીગરોને તેમની વસ્તુઓના ઉત્પાદન-વેચાણ માટે પ્રોત્સાહિત કરાય છે. રાજકોટ યુનિવર્સિટી રોડ પર થોડા સમય અગાઉ ખાલી કરાવેલી સરકારી જમીન પર અર્બન હાટ બનાવવામાં આવશે. કુલ મળીને 9000 ચોરસ મીટર જમીન પર આ હાટ બનાવવાનું આયોજન ઇન્ડેક્સ્ટ-સીએ કર્યું છે.

આપને જણાવી દઇએ કે આ અર્બન હાટ એ સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ હશે, જ્યાં રાજકોટ જીલ્લાના કારીગરો પોતાની વસ્તુઓ વેચી શકશે. આ પ્રોજેક્ટને બજેટમાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તેમજ આ માટેની જમીન પણ ઇન્ડેક્સ્ટ-સીને ફાળવી દેવામાં આવી છે.

આ એક એવું સ્થાન હશે ત્યાં હસ્તકલા કારીગરો, હાથશાળના કારીગરો તેમજ અન્ય કારીગરો પોતાના દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટને વેચી શકશે. આ અર્બન હાટ યુનિક પ્રકારનું બનાવવામાં આવશે જ્યાં કારીગરોની પ્રોડક્ટ અહીં હાઇલાઇટ થશે. જે કારીગરની પ્રોડક્ટ બેસ્ટ ઇન ક્લાસ-એકસ્ટ્રા ઓર્ડિનરી હશે તેને ત્યાં કાયમી પ્રદર્શન માટે મુકવામાં આવશે. માત્ર વેચાણની સુવિધા જ નહીં, પરંતુ કારીગરોને રહેવા તેમજ 24 કલાક સિક્યોરિટીની સવલત પણ આપવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટમાં આવું અર્બન હાટ બનાવવા માટે કારીગરોની ઘણા સમયથી માગ હતી. જેની પૂર્તિ હવે થવા જઈ રહી છે.

મહત્વનું છે કે, ઇન્ડેક્સ-સી એ ભારત સરકારના સહયોગથી ચાલતી રાજ્ય સરકારની સંસ્થા છે, જે ગ્રામીણ કારીગરોની કલા-કારીગરીને મંચ આપવા સાથે કારીગરોને રોજગારી વગેરેનું કામ કરે છે. આ અર્બન હાટ એવું સ્થળ હોય છે કે, જ્યાં હસ્તકળા મેળો, વિવિધ કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો મેળો, માટીકલા મેળો જેવા મેળા યોજાય છે. શહેરીજનોને પણ આવી હસ્તકલાની વસ્તુઓ એક જ સ્થળેથી ખરીદી કરવાની તક મળે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code