Site icon Revoi.in

ઉમરાળા તાલુકાના ધોળા ગામે CCI કેન્દ્રનો પ્રારંભ થતા ખેડૂતોને રાહત

Social Share

અમદાવાદઃ ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલા માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે મંત્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કેન્દ્રનાં ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલા આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા ઉપલબ્ધ રહેશે.

તેમણે વધુમાં અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને સાકાર કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે ગઢડાનાં ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, પેથાભાઈ આહીર, પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળા તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version