નવી દિલ્હીઃ દેશની જનતાને મોંઘવારીના મોરચે મોટી રાહત મળી છે. ઓક્ટોબર માસમાં છૂટક ફુગાવાનો દર નોંધપાત્ર ઘટાડો દર્શાવતા -0.25 ટકાએ પહોંચ્યો છે, જે અગાઉ સપ્ટેમ્બરમાં 1.44 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ફુગાવામાં થયેલો આ ઘટાડો મોંઘવારીના દબાણમાં નરમાઈના સંકેત આપે છે. ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર ઓક્ટોબરમાં -0.25 ટકા નોંધાયો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં તે 1.07 ટકા હતો. શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર 0.88ટકા રહ્યો છે.
મંત્રાલય દ્વારા એક નિવેદનમાં આ ઘટાડાના મુખ્ય કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ફુગાવામાં આવેલો ઘટાડો મુખ્યત્વે GST દરોમાં ઘટાડો, તેલ, શાકભાજી, ફળો, ઈંડા, ફૂટવેર અને અનાજના ભાવમાં ઘટાડો, પરિવહનના ખર્ચમાં ઘટાડાને આભારી છે. મુખ્ય ફુગાવા (Core Inflation) અને ખાદ્ય ફુગાવા (Food Inflation) માં આવેલો ઘટાડો ગ્રાહકો માટે ખરીદશક્તિ વધારવામાં અને આર્થિક સ્થિતિને સ્થિર કરવામાં મદદરૂપ સાબિત થશે.

