
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે RTPCR ફરજિયાત નહીઃ ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત એરપોર્ટ આવતા પેસેન્જરો માટે સુરત મ્યુનિ. કોર્પોરેશનની કોવિડ-19 ટ્રેકર એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. એજ રીતે તેમના માટે નોવેલ કોરોના સેલ્ફ રિપોર્ટિંગ ફોર્મ ભરવું જરૂરી છે.
કોરોનાને કારણે જાહેર પરિવહન ક્ષેત્રને ખૂબ નુકશાન થયું છે. જેમાં વિમાની સેવાને પણ અસર પહોંચી છે. મુસાફરો ઘટવાને લીધે રોજબરોજ અનેક ફ્લાઈટસ કેન્સલ કરવામાં આવી રહી છે. ઓપરેશનલ અને કોમર્શિયલ અડચણોના કારણે બુધવારે શહેરના એરપોર્ટ પરથી અલગ-અલગ સ્થળે જતી 13 ફ્લાઈટ્સને કેન્સલ કરવામાં આવી હતી. મે મહિનામાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) પરથી એક જ દિવસમાં સરેરાશ 10થી 12 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. દરરોજ ફ્લાઈટ કેન્સલ થવાના આધારે તૈયાર કરવામાં આવેલા ડેટા પ્રમાણે, એપ્રિલમાં એક દિવસમાં સરેરાશ 6 ફ્લાઈટ કેન્સલ થઈ હતી.
એરલાઈનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખૂબ ઓછા પેસેન્જરોના કારણે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી નથી. કોરોના વાયરસની બીજી લહેરના કારણે પેસેન્જરોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિમાની મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટમાં છૂટછાટ આપવામાં આવી છે.અમદાવાદ સહિત રાજ્યના તમામ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા પેસેન્જરો માટે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ સાથે હોવું જરૂરી હતું. પરંતુ હવે કેસ ઘટતાં પેસેન્જરોને નેગેટિવ રિપોર્ટમાંથી છૂટ અપાઈ છે.