સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ
નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, “લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 75મી પુણ્યતિથિ પર મારા સાદર નમન. તેમણે દેશને એકસૂત્રમાં પરોવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. અખંડ અને સશક્ત ભારતવર્ષના નિર્માણમાં તેમનું અતુલનીય યોગદાન કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે તેમ નથી.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ‘એક્સ’ પર સરદાર સાહેબને યાદ કરતાં લખ્યું હતું કે,”રાષ્ટ્રીય એકતાના પ્રતીક, મજબૂત ભારતના શિલ્પકાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું. સરદાર સાહેબે ખંડ-ખંડમાં વહેંચાયેલા આઝાદ ભારતને તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં એકીકૃત કરીને મજબૂત રાષ્ટ્રનું સુદૃઢ સ્વરૂપ આપ્યું.” તેમણે વધુમાં લખ્યું કે, દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે મા ભારતીની સુરક્ષા, આંતરિક સ્થિરતા અને શાંતિની સ્થાપનાને જ પોતાનું જીવન લક્ષ્ય બનાવ્યું. સહકારી આંદોલનને પુનર્જીવિત કરીને મહિલાઓ અને ખેડૂતોના સ્વાવલંબનથી આત્મનિર્ભર ભારતનો પાયો નાખનારા સરદાર સાહેબ ‘રાષ્ટ્ર પ્રથમ’ના પથ પર ધ્રુવતારા સમાન આપણે સૌનું માર્ગદર્શન કરતા રહેશે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના ‘એક્સ’ એકાઉન્ટ પર લખ્યું હતું કે, “ભારતની રાષ્ટ્રીય એકતાના સૂત્રધાર, એકીકૃત ભારતના શિલ્પકાર, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર સાદર નમન. સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે તેમણે અદમ્ય ઇચ્છાશક્તિ, અસાધારણ નેતૃત્વ અને અટલ સંકલ્પના બળ પર રાષ્ટ્રની અખંડિતતા સુનિશ્ચિત કરી.” તેમણે આગળ જણાવ્યું કે, સરદાર પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ 550થી વધુ રજવાડાંઓનું ભારત સંઘમાં ઐતિહાસિક વિલીનીકરણ શક્ય બન્યું, જેણે એક સશક્ત અને સંગઠિત ભારતનો પાયો નાખ્યો. સરદાર પટેલજીનું જીવન રાષ્ટ્રસેવા, અનુશાસન અને કર્તવ્યનિષ્ઠાનું અમર આદર્શ છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું કે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત, સુરક્ષિત ભારત’ના નિર્માણ માટેનું તેમનું અવિરત યોગદાન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.


