વડોદરા, 22 એપ્રિલ 2026: DEO gives instructions to schools ખાનગી શાળાઓના સંચાલકો વાલીઓને ચોક્કસ દૂકાનો પરથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. અને દૂકાનદારો મનફાવે એવા ભાવ વસુલતા હોય છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને તાકીદ કરી છે કે, વાલીઓને ક્યાથી યુનિફોર્મ ખરીદવો કે સ્ટેશનરી ખરીદવી તેની ફરજ પાડી શકાશે નહીં, આ બાબતે કોઈ ફરિયાદ મળશે તો આરટીઈ એકટના નિયમો પ્રમાણે સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્કૂલોને ચીમકી આપવામાં આવી છે. ડીઈઓ કચેરીએ સ્કૂલોને એક પરિપત્ર પાઠવીને સૂચના આપી છે કે, વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનો પરથી યુનિફોર્મ, પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવું નહીં અને જો આ બાબતે કોઈ ફરિયાદ મળશે તો આરટીઈ એકટના નિયમો પ્રમાણે સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે.
દર વર્ષે વેકેશન પૂરુ થવાનું હોય તેના પંદર દિવસ અગાઉથી વાલીઓ અને વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષ માટે ખરીદી કરવા નીકળતા હોય છે. દર વર્ષે કેટલીક સ્કૂલો યુનિફોર્મ અને બીજી વસ્તુઓ ચોક્કસ દુકાનેથી જ ખરીદવામાં આવે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે.કેટલીક સ્કૂલો પાઠય પુસ્તકો સિવાય ખાનગી પ્રકાશનના પુસ્તકો પણ અભ્યાસક્રમમાં સામેલ કરે છે અને તે પુસ્તકો ખરીદવા વાલીઓ અને વિદ્યાર્થીઓને ફરજ પાડે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ડીઈઓ કચેરી દ્વારા અત્યારથી પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું મનાય છે.જોકે સ્કૂલો સામે વાલીઓ ફરિયાદ કરે તો અસરકારક કાર્યવાહી થશે કે કેમ તે એક સવાલ છે.

