મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠા પર સુરક્ષાદળો એલર્ટ
જામનગર, 7 માર્ચ 2026: મિડલ ઈસ્ટના દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ અને વૈશ્વિક અશાંતિના પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા તકેદારી વધારી દેવામાં આવી છે. ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર જિલ્લાના સાગર કિનારે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને અત્યંત સુદ્રઢ બનાવી દેવામાં આવી છે. કોઈપણ સંભવિત આતંકી ઘૂસણખોરી કે દરિયાઈ માર્ગે આવતા સંકટોને ખાળવા માટે કમાન્ડોની ટુકડીઓ ૨૪ કલાક તૈનાત કરવામાં આવી છે.
શાંતિના સમયમાં લેવાયેલી સતર્કતા ભવિષ્યના મોટા સંકટોને ટાળવા માટે અમોઘ શસ્ત્ર સાબિત થાય છે, તેવા ઉદ્દેશ્ય સાથે મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા જામનગરના દરિયાકાંઠે વ્યાપક સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કમાન્ડોની ટુકડીઓ દ્વારા નવા-જૂના બેડી બંદર, રોજીબંદર, માધાપર અને જોડિયા ભુંગા જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. દરિયાની અંદર શંકાસ્પદ બોટ કે અજાણ્યા વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા માટે હાઈ-સ્પીડ બોટ દ્વારા સતત દરિયાઈ પેટ્રોલિંગ પણ ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એરફોર્સની દરિયાઈ રેન્જ, ખારા બેરાજા અને સંભવિત ‘લેન્ડિંગ પોઈન્ટ્સ’ પર પોલીસની બાજ નજર છે.
આ સમગ્ર સુરક્ષા કવાયત એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા તેમજ મરીન ટાસ્ક ફોર્સના આઈ.જી. પી. એલ. માલના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહી છે. હજીરાના એચ.ડી. એસ. જે. પરમાર અને જામનગર સેક્ટરના પી.આઈ. ડી.આર. યાદવની આગેવાનીમાં કમાન્ડો ટીમે દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓ અને ફિશિંગ સેન્ટરોનું પણ ચેકિંગ કર્યું છે. માછીમારોની પૂછપરછ કરીને તેમને દરિયામાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
મરીન ટાસ્ક ફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય સ્થિતિમાં કરવામાં આવતી આવી મોક ડ્રીલ અને સઘન ચેકિંગ કટોકટીના સમયે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હાલમાં મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારાના ગામોમાં પણ સ્થાનિક સ્તરે ઈન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરવામાં આવ્યું છે. શંકાસ્પદ જહાજો અને ફિશિંગ બોટ્સનું સતત વેરિફિકેશન કરીને દરિયાઈ સુરક્ષા કવચને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.


