Site icon Revoi.in

ભૌગોલિક રાજનીતિમાં સેમિકન્ડક્ટર મહત્વની ભૂમિકા ભજવશેઃ ડો.એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ સેમિકન્ડક્ટર સેક્ટરના મહત્વને વર્ણવતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, આવનારા સમયમાં જિયોપોલિટિક્સમાં દેશોના સમીકરણોમાં સેમિકન્ડક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. નવી દિલ્હીમાં ભારત-જાપાન ફોરમના ઉદ્ઘાટન સત્રમાં વિદેશ મંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ‘જાપાન આજે તેના સેમિકન્ડક્ટર સેક્ટરને પુનર્જીવિત કરી રહ્યું છે અને ભારત પણ લાંબા સમયની અવગણના બાદ સેમિકન્ડક્ટર મિશન પર કામ કરી રહ્યું છે.’

વિદેશ મંત્રી ડો.એસ. જયશંકરે જણાવ્યું હતું કે, અમારા બંને દેશ તાઇવાન સાથે પણ મળીને કામ કરી રહ્યા છે. હું આને ખૂબ જ મહત્વપૂર્ણ શરૂઆત માનું છું. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે જે આવનારા દાયકામાં ભૌગોલિક રાજકીય સ્તરે ઘણું મહત્વ ધરાવતું હશે. સેમિકન્ડક્ટર સહકાર માટે વિશાળ સંભાવનાઓ હશે. અમે ભારતમાં અમારી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરી રહ્યા છીએ. આ ગુણવત્તામાં સુધારો કરશે.

ભારત અને જાપાન વચ્ચેના સંબંધો પર વિદેશ મંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા નથી રહી, પરંતુ સમસ્યાઓની ગેરહાજરીનો અર્થ એ નથી કે બધું બરાબર ચાલી રહ્યું છે. આજે ભારતીયોમાં વિદેશી પ્રવાસન પ્રત્યે રસ વધી રહ્યો છે. અમે દર વર્ષે 10-15 ટકાના વધારા સાથે પાસપોર્ટ જારી કરી રહ્યા છીએ. અમે દર વર્ષે લગભગ 1 થી 1.5 કરોડ પાસપોર્ટ જારી કરીએ છીએ અને આ 10 વર્ષની વેલિડિટીના હોય છે, પરંતુ અમે જાપાનમાં હજુ સુધી આવું કંઈ જોયું નથી. જો તમે દક્ષિણ-પૂર્વ એશિયા, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, ગલ્ફ દેશો, યુરોપ તરફ નજર નાખો તો ત્યાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ જઈ રહ્યા છે.