
2023માં શાહરૂખ ખાન કરશે ત્રીજો મોટો ધમાકો,ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ ડેટ થઈ જાહેર
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં ‘જવાન’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ફિલ્મ કમાણીના મામલામાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. SRKએ આ સફળતા માટે તેના ચાહકોનો આભાર માનવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં લોકોને એવું સરપ્રાઈઝ મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ ઇવેન્ટમાં કિંગ ખાને તેની આગામી ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
શાહરૂખ ખાનનું કહેવું છે કે ફિલ્મ ‘ડંકી’ ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને ‘ડંકી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ખાનની સામે તાપસી પન્નુ છે. આ ફિલ્મ આ ક્રિસમસમાં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
આ સાથે જ બોલિવૂડના ઈતિહાસમાં શાહરૂખ ખાન એકમાત્ર એવો સ્ટાર બની ગયો છે, જે રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસ પર ફિલ્મ ‘પઠાણ’, જન્માષ્ટમી પર ‘જવાન’ અને હવે ક્રિસમસ પર ‘ડંકી’ રિલીઝ કરવા જઈ રહ્યો છે. આખા વર્ષ દરમિયાન બોક્સ ઓફિસ પર કિંગ ખાનનો દબદબો જોવા મળશે. ‘પઠાણ’ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ છે, ત્યારે ‘જવાન’ ટૂંક સમયમાં તેનો રેકોર્ડ તોડવા જઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે ‘ડંકી’ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે.
‘ડંકી’ની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન નિર્દેશક રાજકુમાર હિરાનીએ કર્યું છે, જે ‘મુન્નાભાઈ’ ફ્રેન્ચાઈઝી, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ અને ‘સંજુ’ માટે જાણીતા છે.