Site icon Revoi.in

સગાઈના ફોટા-વીડિયો ડિલીટ કર્યા બાદ ચર્ચામાં સ્મૃતિ મંધાના: પલાશ મુચ્છલ સાથેના લગ્ન ટળ્યાં

Social Share

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને લોકપ્રિય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર તથા ફિલ્મમેકર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાવવાના હતા. બંનેની પ્રી-વેડિંગ સેરેમની ધામધૂમથી ચાલી રહી હતી. પરંતુ સંગીત નાઇટ દરમિયાન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવતા લગ્નને તાત્કાલિક મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં પલાશની બહેન અને જાણીતી સિંગર પલક મુચ્છલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સ્મૃતિના પિતાની તબિયત ખરાબ હોવાથી લગ્ન પોસ્ટપોન કરવામાં આવ્યા છે. પરંતુ હવે સ્મૃતિએ એક એવો અચાનક નિર્ણય લીધો છે, જેને કારણે ચાહકોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સ્મૃતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પલાશ સાથેના પ્રપોઝલ અને સગાઈના બધા ફોટા-વિડિયોઝ કાઢી નાખ્યા છે. પલાશે ફિલ્મી અંદાજમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર સ્મૃતિને પ્રપોઝ કર્યું હતું, જેનો વિડિયો બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એક તસવીરમાં સ્મૃતિ પોતાની એંગેજમેન્ટ રિંગ પણ ફ્લોન્ટ કરતી દેખાતી હતી. પરંતુ હવે આ તમામ પોસ્ટો તેમના એકાઉન્ટ પરથી ગાયબ છે. માત્ર કેટલીક સામાન્ય તસવીરો જ બાકી રહી છે. સ્મૃતિના આ પગલાએ ચાહકોમાં ચિંતા ફેલાવી છે, અને લોકો પૂછતા જોવા મળે છે કે શું બંને વચ્ચે બધું ઠીક છે? હજી સુધી આ મુદ્દે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ત્રણ દિવસ પહેલાં પલાશ અને સ્મૃતિએ એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પલાશ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ઘૂંટણે બેઠા સ્મૃતિને પ્રપોઝ કરતા દેખાઈ રહ્યો હતો. પલાશે તેને રિંગ પહેરાવીને ફૂલોનું બુકે આપ્યું હતું. સ્મૃતિ આ અચાનક પ્રપોઝલ જોઈ અચંબિત થઈ ગઈ હતી અને પછી તેણે પણ પલાશને રિંગ પહેરાવી હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો અને બંનેને ચાહકો તરફથી શુભેચ્છાઓ મળી રહી હતી.

Exit mobile version