અમદાવાદ, 24 જૂન 2026: અમદાવાદના SPCT ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી રોમાંચક SPCT U-12 ક્રિકેટ કપ 2026ની ફાઇનલ મેચમાં G.C.I.A. ટીમે અદભુત પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ફાઇનલના મહામુકાબલામાં G.C.I.A.ની ટીમે વન-સાઇડેડ રમત રમતા વિરોધી Spct U-12.Ahd. ટીમને 10 વિકેટે પરાજય આપ્યો હતો. આ આખી મેચમાં G.C.I.A.ના બોલર્સ અને ઓપનિંગ બેટ્સમેનો સંપૂર્ણપણે હાવી રહ્યા હતા.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરનારી Spct U-12.અમદાવાદની ટીમ માટે ફાઇનલ મેચ કોઈ દુઃસ્વપ્ન જેવી સાબિત થઈ હતી. G.C.I.A.ના ઘાતક બોલિંગ આક્રમણ સામે સમગ્ર ટીમ માત્ર 21.3 ઓવરમાં 73 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ટીમ તરફથી કે.આર.સિંહે સૌથી વધુ 13 રન, વિહાન ગાંધીએ 12 રન અને કેપ્નન માનવરાજસિંહ ચુડાસમા તથા દક્ષ ટાકે 11-11 રનનું યોગદાન આપ્યું હતું. G.C.I.A. તરફથી બોલિંગમાં હેત નરેશ પટેલે તરખાટ મચાવતા માત્ર 3.3 ઓવરમાં 1 મેડન સાથે 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આદિત્ય પુરસ્વાનીએ 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ અને મિહિર એમ. જાદવે 6 ઓવરમાં 24 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટો ખેરવી સ્પર્ધક ટીમની કમર તોડી નાખી હતી.
માત્ર 74 રનના નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી G.C.I.A.ની ઓપનિંગ જોડીએ મેદાન પર ઉતરતાની સાથે જ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. ઓપનર શ્લોક બી. પટેલે 54 બોલમાં 5 ચોગ્ગાની મદદથી અણનમ 33 રન ફટકાર્યા હતા. જ્યારે તેના સાથી ખેલાડી મિહિર એમ. જાદવે પણ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા 35 બોલમાં 4 ચોગ્ગા સાથે અણનમ 21 રન બનાવ્યા હતા. બંને ઓપનરોએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 16.1 ઓવરમાં 75 રન બનાવીને પોતાની ટીમને 10 વિકેટે ભવ્ય વિજય અપાવ્યો હતો. આ શાનદાર જીત સાથે જ યુવાંશ જૈનની કેપ્ટનશીપ હેઠળની G.C.I.A.ની ટીમ આ વર્ષની અંડર-12 ચેમ્પિયન બની હતી.

