Homeગુજરાતીગુજરાતખેરાળુમાં ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસે 15 શખસોની કરી અટકાયત

ખેરાળુમાં ભગવાન રામની શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસે 15 શખસોની કરી અટકાયત

મહેસાણાઃ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે ગુજરાતભરમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. નાના-મોટા શહેરોમાં ભગવાન શ્રીરામની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણાના ખેરાળુના બેલીમ વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બનતા પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટિયરગેસના 10 શેલ છોડ્યા હતા, આ બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. અને 15 જેટલા શખસોની અટકાયત કરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા ખેરાળુંના હાટડીયા વિસ્તારમાંથી નીકળીને બેલિમવાસ પહોંચી ત્યારે શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેને લઈને મામલો બિચક્યો હતો. જોકે ઘટનાના પગલે તાત્કાલિક પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના 10 જેટલા સેલ છોડ્યા હતા. જે બાદ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક ધારાસભ્યએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તના ખબરઅંતર પૂછ્યા હતા. તો બીજી તરફ પોલીસે 15 જેટલા શકમંદોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેરાળુના બેલિમવાસમાં ભગવાન રામની શોભાયાત્રામાં DJ વગાડવા મુદ્દે હોબાળો થયો હતો. જ્યારબાદ અચાનક શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે ટિયરગેસના 10 જેટલા શેલ છોડીને સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો. અત્યારે સંપૂર્ણ શાંતિ છે અને પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. આ મામલે 15 જેટલા લોકોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. કોઈપણ તત્વો હોય તેની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ખેરાલુના બેલીમ વિસ્તારમાં જે પથ્થરમારાની ઘટના બની છે તેના જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તેમાં અગાસીઓ પરથી યુવકોની સાથે કેટલીક મહિલાઓ અને યુવતીઓ પણ પથ્થરો ફેંકતા જોવા મળી રહી છે. પોલીસે હાલ આ લોકોની શોધખોળ શરૂ કરી છે. હાલમાં સમગ્ર જિલ્લામાંથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે. હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું જણાવાય રહ્યું છે

સંબંધિત લેખો

Most Popular