
રાજકોટઃ અમદાવાદથી રાજકોટ આવી રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટના બિલેશ્વર નજીક પથ્થરમારો થતાં ટ્રેનના બે કાચના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન રાજકોટમાં ટ્રેન પ્રવેશે તે પહેલાં આવેલા સ્લમ વિસ્તારમાંથી કોઈ શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ RPF દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્લમ વિસ્તારના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દેશમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ બનતી હોય છે. વંદેભારત ટ્રેન અમદાવાદથી રાજકોટ આવી રહી હતી ત્યારે રાજકોટ નજીક બિલેશ્વર રેવલે સ્ટેશન પાસે ટ્રેન પર અજાણ્યા શખ્સોએ પથ્થર ફેંકતા C-4 અને C-5 કોચના કાચ તૂટતા દોડધામ મચી ગઈ હતી. આ ટ્રેનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પ્રવાસ કરી રહ્યા હતા. જોકે પથ્થરમારાની ઘટનામાં માત્ર બે કાચ તૂટવા સિવાય કોઈપણ નુકસાન કે કોઈ વ્યક્તિને ઇજા થઈ નહોતી. હાલમાં રેલવે પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ રેલવે ડિવિઝનના પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રે રાજકોટથી 4 કિમી દૂર આવેલા બિલેશ્વર નજીક આ ઘટના બની હતી. આ ઘટનામાં માત્ર બે કોચના કાચમાં ક્રેક થયા સિવાય કોઈ નુકસાની કે જાનહાનિ થઈ નથી. હાલ જુદી-જુદી ટીમો બનાવી તપાસ કરવા આદેશ અપાયો છે. આ વિસ્તારમાં ઘણી બધી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. ઘણી વખત આ વિસ્તારનાં બાળકો પથ્થરો ફેંકતાં હોય છે. જેને લઈને જાગૃતતા માટે પણ અભિયાન ચલાવીએ છીએ. જોકે આ ઘટનામાં બાળકો સામેલ છે કે અન્ય કોઈ તે મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સાચી હકીકત જાણી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે બિલેશ્વર નજીકના લોકોની અને મુસાફરોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ આવી રીતે પથ્થરો મારવાની ઘટનાઓ બની ચૂકી છે. આ પ્રકારના લોકો સામે બે કેસ પણ કરવામાં આવ્યા હતા. જોકે તેને ઘણો સમય વીતી ચૂક્યો છે. આરપીએફની એક ટુકડી તપાસ માટે મોકલવામાં આવી છે. જેમાં C-4 અને C-5 કોચના કાચમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પ્રાથમિક તપાસમાં બાળકોએ જ પથ્થર ફેંક્યા હોવાનું અનુમાન છે. બિલેશ્વરમાં રેલવે લાઈનને અડીને ઝૂંપડપટ્ટી આવેલી છે. આ વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.