1. Home
  2. ગુજરાતી
  3. સંઘર્ષ .. સેવા ..સત્યતા ..સાધના..સમરસતાના મહામાનવ : ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર
સંઘર્ષ .. સેવા ..સત્યતા  ..સાધના..સમરસતાના મહામાનવ : ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર

સંઘર્ષ .. સેવા ..સત્યતા ..સાધના..સમરસતાના મહામાનવ : ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર

0
Social Share

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

ઇસ.૧૮૦૦, ૧૯૦૦ ની સાલમાં આપણું રાષ્ટ્ર નાતજાત ઊંચનીચ સ્પૃશ્ય અસ્પૃશ્યની માનસિક અને સામાજિક ગંદકીથી ખદબદી રહ્યું હતું અને આ કારણોથી જ બીજા દેશની પ્રજાને  આપણા દેશ પર રાજ કરવું એકદમ સરળ બન્યું ! પણ આપણા સદ્ભાગ્ય એ રહ્યા કે ” તમસો મા જ્યોતિર્ગમય” મા ઝળહળતી આપણી ભૂમિએ સમયે સમયે એવા રાષ્ટ્રરન્તો આપ્યા કે જે આપણા દેશની ગરિમાને એમના સમર્પિતભાવે ગૌરવપૂર્ણ કાર્યોથી રાષ્ટ્રગૌરવ વધારતા રહ્યા ! સમાજ ને દેશને નવી દિશાઓ આપતા રહ્યા ! એવા જ એક રાષ્ટ્રરત્નને એમના જન્મપર્વ પર યાદ કરીને એમના જનકલ્યાણ અને રાષ્ટ્રહિત ના કાર્યોને સ્મરવા છે આજે ૧૪ મી એપ્રિલ અને ૧૮૯૧ ની એ સાલ મહારાષ્ટ્રનો રત્નાગીરી જિલ્લો અને આંબડવા નામનું નાનકડું ગામ અને ગામમાં રહેતો લશ્કરી સેવામાં પ્રવૃત્ત સૂબેદાર રામજી માલોજી અને  ભીમાબાઈનો પરિવાર , પરિવારમા તેર બાળકોના જન્મ પછી ચૌદમાં સંતાનનો જન્મ થયો ! માતા પિતા નું સંકલ્પબળ એટલું બધું હતું કે ખોળામાં રમતા આ બાળકને જોઈને જ માતાપિતાને એવી અંતઃસ્ફુરણા થઇ કે આ શિશુ એ ખુબ બળવાન અને મહાન બનીને રાષ્ટ્રનું કલ્યાણ કરશે એટલે આ બાળકનું નામ રાખવામાં  આવ્યું ભીમરાવ ! પણ કુદરતની કરુણતાએ  બાળપણમાં જ માતા ભીમાબાઈની વાત્સલ્યસભર હૂંફ ગુમાવી અને બાળકો અનાથ  બન્યા ! ફોઈના ખોળામાં બાળકોનો ઉછેર થયો ! પરિવારમાં સતત ભજન કીર્તન , મહાભારત રામાયણ ના કથા શ્રવણ મા બાળકો સાથે ભીમનો ઉછેર થયો !

ઘર આંગણે શિક્ષણ મેળવી ભીમ હાઈસ્કૂલ મા પ્રવેશ્યા અને સ્કૂલમાં પ્રવેશતા જ ભીમરાવને એક વિચિત્ર પ્રકારનો અનુભવ થયો ! હાઈસ્કૂલમાં મોટાભાગ ના વિદ્યાર્થીઓ બેન્ચ પર બેસીને ભણી રહ્યા હતા પણ અમુક વિદ્યાર્થીઓ ને અપમાનિત કરી  જમીન પર બેસાડવામાં આવતા અને ભીમને પણ જમીન પર બેસાડવામાં આવ્યો  !  આ અનુભવમાંથી પસાર થતા ભીમને સહજ પ્રશ્ન થયો કે આમ કેમ ? એણે શિક્ષકો ને પ્રશ્ન પૂછ્યો કે આ પ્રકારની ઊંચ નીચ શાળામા કેમ ? કારણ જાણી ભીમ હચમચી ગયા  !! કારણ હતું “અસ્પૃશ્યતા” !! ફરી આવો જ અનુભવ થયો શાળામા પાણી પીવામાં પણ છૂત અછૂત ની નીતિનું પાલન થતું ! પાણીની પરબને પણ સ્પર્શ  કરવાનો અધિકાર નોહતો ! બાળપણમાં જ  ભીમ છૂત અછૂત ના આવા અનેક ઘોર અપમાનજનક અને આઘાતજનક અનુભવો   માંથી પસાર થઇ રહ્યા હતા !! ભીમને અસ્પૃશ્ય અને અછૂત ગણીને લોકોની મારઝૂડનો સામનો પણ કરવાનું નસીબમા આવ્યું  ભીમનું અપમાન વેઠતું બાળપણ ધીરે ધીરે કિશોર અવસ્થા માં પ્રવેશી રહ્યું હતું કિશોરાવસ્થામાં  પણ ભીમના મનમાં આવા ઘોર અપમાન માટે અનેક પ્રશ્નો મનમાં ચાલ્યા  કરતા બધાના જેવા જ હાથપગ આંખ કાન શરીર હોવા છતાં શું કામ અમને અછૂત ગણવામાં આવતા હશે ? અને આ પ્રશ્નોનો જવાબ જાતે શોધવાનું નક્કી કર્યું અને મનોમન સંકલ્પ કર્યો કે આજે નહિ તો કાલે સમાજે આ અપમાનોનો જવાબ મને આપવો પડશે !

સમાજમાં બધી જ જગ્યાએ થી અપમાન અને નફરત સહન કરતા કરતા ભીમ હાઈસ્કૂલના ના એક બ્રાહ્મણ અધ્યાપક ગુરુ આંબેડકર ના સંપર્કમાં આવ્યા અને ગુરુ આંબેડકરે ભીમરાવને એમના નિસ્વાર્થ પ્રેમ  સ્નેહાળ હૂંફ અને જ્ઞાનથી તરબોળ કરી દીધા ! એટલું જ નહિ ભીમરાવના પિતાની તરફથી મળેલી  આંબાવડેકર અટક  બદલીને પોતાના પુત્રને મળે એમ ગુરુ આંબેડકરે એમની પોતાની અટક “આંબેડકર” ભીમરાવને આપી જે આજે પણ લોકહૃદયમાં જીવંત છે  સંજોગોવશાત ધંધા રોજગાર અને  બાળકોના સારા શિક્ષણ માટે પરિવાર  ગામમાંથી મુંબઈના પરેલની ચાલીમાં  સ્થાયી થયો ! ભીમ ને શિક્ષણ પ્રત્યે અપાર લગાવ દિવસ રાત એક કરીને તનતોડ મેહનત કરીને શૈક્ષણિક કારકિર્દી બનાવવાનું શરુ કર્યું ! પણ માત્ર  ગામમાં જ નહિ પણ મુંબઈમા પણ ભીમરાવને અસ્પૃશ્યતાના કડવા અનુભવો થયા ! સંસ્કૃત ભણવાની ખૂબ ઈચ્છા હોવા છતાં ભીમને અસ્પૃશ્ય ગણી અને આ તો દેવ ભાષા  કહેવાય  તમારાથી ના ભણાય એમ કહીને અળગા રખાયા  અને ભીમને ફારસી ભાષા ભણવી પડી !! આટ આટલા અપમાનો સહન કરતા પણ ભીમનું મન ડગ્યું નહિ ભીમનો જ્ઞાનમાર્ગ ઉજ્જવળ થતો જતો હતો ! ભીમરાવે હવે જ્ઞાન અને શિક્ષણના શસ્ત્રથી અસ્પૃશ્યતા નો જવાબ આપવાનું નક્કી કર્યું ! મુંબઈની શાળાના એક વિદ્વાન શિક્ષક કેલુસ્કરજીનું માર્ગદર્શન મળ્યું ભીમ અથાગ પરિશ્રમે મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા તેજસ્વી ભીમરાવને એમની   જ્ઞાતિમાં સર્વપ્રથમ મેટ્રિક પરીક્ષા પાસ કરવાનું ગૌરવ મળ્યું  ! વિદ્વાન શિક્ષક કેલુસ્કરજી એ ભીમરાવને મીટ્રીકની પરીક્ષામાં પાસ થવા બદલ આશીર્વાદ રૂપે ગૌતમ બુદ્ધ નું જીવન ચરિત્ર ભેટમાં આપ્યું જે ભીમરાવે આત્મસાત કર્યું ! અસ્પૃશ્યતા ના અપમાનોની સાથે સાથે  સતત આર્થિક ભીંસ પણ ભીમરાવના પરિવારને ચિંતિત કરી મુકતી  એવામાં  કેલુસ્કરજી એ ભીમરાવને વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ પાસેથી કોલેજ કરવા માટે શિષ્યવૃત્તિ અપાવી ! ચાલીમા રહીને ભીમરાવે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ ની ઉપાધિ મેળવી અને વડોદરામાં નોકરી સ્વીકારી. જેવી નોકરી સ્વીકારી એવો તરત જ ભીમરાવના પિતાનો સ્વર્ગવાસ થયો  પરિવાર પર આફત આવી પડી ભીમરાવે પિતાની છત્રછાયા ગુમાવી ભીમરાવ એકલા પડી ગયા પણ  કેલુસ્કરજીનું માર્ગદર્શન આશીર્વાદ સતત ભીમરાવને મળતા રહ્યા ફરીથી  કેલુસ્કરજીના માર્ગદર્શનમાં વિદેશ અભ્યાસની શિષ્યવૃત્તિ  માટે ભીમરાવે વડોદરાના રાજા સયાજીરાવને વિનંતી કરી વિનંતી સ્વીકાર્ય રહી અને ભીમરાવ આગળ અભ્યાસ માટે અમેરિકા ગયા ત્યાં એમની તેજસ્વીતા વધુ ખીલી એમણે અઢાર અઢાર કલાક અભ્યાસ કરીને એમ.એ તથા પી.એચ.ડી ની પદવી મેળવી હવે ભીમરાવ આંબેડકર “ડૉ ભીમરાવ આંબેડકર” બની ચુક્યા હતા અભ્યાસ પૂરો થઇ જવાની મુદત પુરી થતા સ્વદેશ પાછા ફર્યા ! અને વડોદરામા રાજા દ્વારા  ઉચ્ચ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી  પણ હજુ પણ વડોદરામાં એમને અસ્પૃશ્યતાના અપમાનજનક અનુભવો માંથી પસાર થવું પડ્યું આત્મસન્માન બચાવવા  નોકરી છોડી પાછા મુંબઈ ગયા મુંબઈની સિડનહામ કોલેજમાં  અધ્યાપન કાર્ય શરુ કર્યું અહીં એમનો નાનકડો સંસાર વસ્યો હતો.આમ્બેડકરજી એમના પત્ની રમા બાઈ અને પુત્ર યશવંત..!!પણ હજુ ભીમરાવને વધુ અભ્યાસ માટે આપબળે  વિદેશ જવું હતું ખૂબ કરકસર કરીને બે વર્ષ અધ્યાપન કાર્ય કર્યું અને એ પછી એમની અંગત બચત , કોલ્હાપુરના મહારાજા અને મિત્ર નવલ ની મદદ લઇ તેઓ કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા લંડન પહોંચ્યા તેમણે અથાગ પરિશ્રમ  કરીને બેરિસ્ટરની પદવી મેળવી. ડી એસ સી ની પદવી મેળવી પણ બે વર્ષમાં પૈસા  ખૂટી  જતા  તેમણે ભારત પાછા ફરવું  પડ્યું  !

શ્રેષ્ઠતમ  શિક્ષણ  અને અનેક પ્રકાર  ના અનુભવો થી સજ્જ  હવે એમણે અને એમના જેવા અનેકો એ નાત જાત ઊંચ નીચ સ્પૃશ્ય અસ્પૃશ્ય ના ઘોર અપમાનો સહન કરી જીવતા અનેક  દલિત પીડિત શોષિત વંચિતોને આદર  સહીત ન્યાય અને સમાનતા અપાવવા માટે એમણે એમની શિક્ષણની  તેજસ્વીતાના જ્ઞાનના શસ્ત્રનો વિનમ્ર પણે ઉપયોગ કરવાનું નક્કી કર્યું !  તેમણે “મૂક નાયક” પત્રિકા શરૂકરી એમાં હિન્દૂ સમાજમાં અસ્પૃશ્યતાના કલંકને  અને ઊંચ નીચના ભેદભાવોની પરંપરા ને તીખા શબ્દોમાં વખોડી..!! મુંબઈમાં અસ્પૃશ્યોને સંગઠિત કરી ને “બહિષ્કૃત હિતકારીણી સભા” ની રચના કરીને એમણે અસ્પૃશ્યો , દલિત, પીડિત ,શોષિત ,વંચિતોનો સર્વાંગી ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય શરુ કર્યું , ચૌદાર તળાવ સત્યાગ્રહ જેવા અનેક આંદોલનો કર ને અસ્પૃશ્યોના અંતરાત્મામાં આત્મસન્માન ઉભું કરવાનું મહામૂલું કામ કર્યું લોકસેવાના કાર્યો અને  અસાધારણ  શિક્ષણ પ્રતિભા  હોવાના કારણે મુંબઈના  ગવર્નરે  તેમને મુંબઈની વિધાન  પરિષદના સભ્ય બનાવ્યા આઝાદી નો પણ ડંકો એ સમયમાં  વાગી  રહ્યો  હતો અને આઝાદી મળી..!! અપાર  તેજસ્વીતા  અને લોકસેવાના કાર્યોને કારણે ડૉ બાબા સાહેબ આંબેડકરને સ્વતંત્ર  ભારતના  પ્રથમ  કાયદાપ્રધાન  બનાવ્યા  ૨૬મી ઓગસ્ટ ૧૯૪૭ એ સ્વતંત્ર ભારતનો  બંધારણીય  મુસદ્દો  ઘડવા  માટે સમિતિ   બનાવવામાં  આવી તેના  તેઓ અધ્યક્ષ  નિમાયા આમ તેઓ બંધારણ ના ઘડવૈયા બન્યા એ પછી તેમણે વૈશ્વિક  પ્રવાસો  કરી અને જનકલ્યાણ માટે  ખૂબ કાર્ય કર્યું આજીવન સંઘર્ષમય જીવન જનકલ્યાણ માટે રાષ્ટ્રકલ્યાણ માટે જીવ્યા અનેક મહાનગુણોના ધારક અને પીડિતોના હિંદ ની ભૂમિ પર જન્મેલા પરમેશ્વર  ડૉ બાબાસાહેબ આંબેડકરને નતમસ્તક વંદન !

 

બુદ્ધિનો વિકાસ એ જ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ હોવું જોઈએ ..!!

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code