રાજકોટ, 9 મે 2026: Swimming pool reopens after one and a half years સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો સ્વિમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતો. આ અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિના સત્તાધિશોને રજૂઆતો કરાયા બાદ ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, આઉટડોર સ્વિમિંગ પૂલ હજુ પણ ગંદકી અને તંત્રની ઉદાસીનતાને કારણે બંધ હાલતમાં છે. આંતર કોલેજ, રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માટેનો આ સ્વિમિંગ પૂલ 25.50 બાય 12.50 મીટરનો છે અને તેની કેપેસિટી 28 લાખ લિટર પાણીની છે, જેથી આ સ્વિમિંગ પૂલ તાત્કાલિક શરૂ થાય તે જરૂરી છે. હાલમાં શરૂ થયેલા પ્રેક્ટિસ સ્વિમિંગ પૂલમાં શિખાઉ સ્વિમર લાઇફ જેકેટ સાથે સ્વિમિંગ શીખે છે. અહીં NIS કોચ દ્વારા ઉત્કૃષ્ઠ તાલીમ આપવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વિમિંગ કોચ જય ભટ્ટે જણાવ્યું કે, કુલપતિ અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકના માર્ગદર્શન હેઠળ ઇન્ડોર સ્વિમિંગ પૂલ શરૂ કરાયો છે. આ સ્વિમિંગ પૂલ ઓલિમ્લિક કક્ષાનો 25.50 બાય 12.50 મીટરનો છે. 7.5 ફૂટની ઉંડાઈ ધરાવતા આ પૂલમાં દૈનિક 7 લાખ લિટર પાણીની જરૂરિયાત રહે છે. આ સૌરાષ્ટ્રનો એકમાત્ર ટેમ્પરેચર મેન્ટેન પૂલ છે, જેથી શિયાળામાં પણ લોકો સ્વિમિંગ કરી શકે છે. જ્યારે બહારનો આઉટ ડોર સ્વિમિંગ પૂલ 20 બાય 50 મીટરનો પૂલ છે. બંને પૂલની ઊંડાઇ 7.5 ફૂટ છે. હાલ અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પર્ધા સહિતની તૈયારી કરતા 30 જેટલા સ્પર્ધકો આવે છે.
સ્વિમિંગ પુલમાં તરણ શીખવા માટે આવતા લોકોના કહેવા મુજબ સ્વિમિંગ કોમ્પીટિશન માટે બેસ્ટ સ્વિમિંગ પૂલ છે. અહીં ટ્રેનર દ્વારા ખૂબ જ સારું ગાઇડન્સ આપવામાં આવે છે. અહીં અપાતા ગાઇડન્સને કારણે અમારા પર્ફોમન્સમાં પણ સુધારો થયો છે. સ્વિમિંગ કરવાથી માઇન્ડ ફ્રેશ રહે છે.

