
ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ હવે ભારતીય આયુર્વેદનો અભ્યાસ કરી શકશે
અમદાવાદઃ કોરોના મહામારીમાં આયુર્વેદીક ઉપચારને કારણે લોકોમાં આયુર્વેદ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલું જ નહીં વિદેશમાં પણ લોકો આર્યુવેદને અપનાવી રહ્યાં છે. દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ હવે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી શકશે. જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાંએ એમઓયુ કરતા હવે પ્રથમવાર ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ માટેની સુવિધા મળશે. તેમજ ઓસ્ટ્રેલિયાના લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ પણ મળશે. બંન્ને યુનિવર્સિટી દ્વારા આ એમ.ઓ.યુ. થવાથી ઓસ્ટ્રેલિયા ખાતે આયુર્વેદમાં શૈક્ષણિક અને સહયોગી સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરશે, જેમાં હર્બલ મેડિસિન અને યોગનો સમાવેશ થાય છે, તેમજ શૈક્ષણિક ધોરણો અને ટૂંકા ગાળાના મધ્યમ-ગાળાના અભ્યાસક્રમો અને શૈક્ષણિક માર્ગદર્શિકા ડિઝાઇન કરવામાં આવશે. તે મજબૂત ઓસ્ટ્રેલિયન નિયમનકારી માળખામાં આયુર્વેદ સંબંધિત શિક્ષણ, સંશોધન અને નીતિ વિકાસમાં ઉત્કૃષ્ટતા દર્શાવવા અને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક નેતૃત્વ પ્રદાન કરશે અને પરંપરાગત આરોગ્ય સારવારમાં પુરાવા આધારિત આયુર્વેદ દવાઓના અનુવાદ અને એકીકરણને પ્રોત્સાહન આપવા વ્યૂહરચના વિકસાવશે.
આ પ્રસંગે આ.ટી.આર.એ. વતી સંસ્થાના નિયામક વૈદ્ય અનુપ ઠાકર અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી વતી કુલપતિ પ્રો. બારની ગ્લોવર દ્વારા એમ.ઓ.યુ. પાર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આ.ટી.આર.એ. ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડીન પ્રો. મનદીપ ગોયલ અને વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી તરફથી ડેનિસ ચેન્ગ અને દિલીપ ઘોષ તેમજ આ.ટી.આર.એ. ના અન્ય કર્મચારીઓ હાજર હતા.