
ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને જુલાઇ-2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવા રજૂઆત
અમદાવાદઃ દુજરાત એસટી નિગમના કર્મચારીઓ ઘણા વખતથી અન્યાયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવાની માગણી કરવામાં આવી હતી તે સરકારે હજુ સ્વાકારી નથી. હવે એસટી નિગમના કર્મચારીઓને 5 ટકા મોંઘવારી ભથ્થુ અને એરિયર્સનો લાભ આપવા કર્મચારીઓના ત્રણેય મહામંડળોના પ્રમુખોએ માંગણી સાથે અગ્રસચિવને રજુઆત કરી છે.
રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓને 5 ટકા મોંઘવારી આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઇ હતી. મોંઘવારીનો લાભ જુલાઇ-2019થી આપવામાં આવશે. ઉપરાંત મળવાપાત્ર એરીયર્સ પણ આપવામાં આવશે તેવી જાહેરાત સાથે કર્મચારીઓને પણ લાભ આપવામાં આવ્યો છે. પરંતુ મોંઘવારીના લાભથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓને વંચિત રાખવામાં આવ્યા છે. આથી કર્મચારીઓમાં ભારોભાર રોષ ઉઠવા પામ્યો છે.
રાજ્યના અન્ય સરકારી કર્મચારીઓની જેમ એસ ટી નિગમના કર્મચારીઓને પણ જુલાઇ-2019ના 5 ટકા મોંઘવારીનો લાભ આપવા માટે લેબર સેટલમેન્ટ કલમ નંબર-2ના કરારનો ભંગ થવા પામ્યાનો આક્ષેપ કર્મચારીઓ તરફથી કરવામાં આવ્યો છે. આથી એસ ટી નિગમના કર્મચારીઓને 5 ટકા મોંઘવારી અમલવારી કરીને મળવાપાત્ર એરિયર્સ સહિતનો લાભ આપવાની માંગણી સાથે ગુજરાત એસ ટી કર્મચારી મહામંડળ, ગુજરાત એસ ટી મજુર મહાસંઘ અને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશનના પ્રમુખો દ્વારા બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવને લેખિત રજુઆત કરી હોવાનું એસ ટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું હતું.