1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

ગુજરાતમાં ધો-10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની કોંગ્રેસે કરી રજૂઆત

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં ધોરણ-10 અને ૧રના રીપીટર વિદ્યાર્થીઓને પણ અન્‍ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશન આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્‍યવસ્‍થા છે. કોરોનાના કારણે માર્ચ-2020થી શાળા-કોલેજો સંપૂર્ણ બંધ છે અને ક્‍યારે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી. કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરોનાની બીજી લહેરને ધ્‍યાનમાં લઈ સીબીએસઈ (CBSE) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

કોરોનાની ત્રીજી લહેરને ધ્‍યાનમાં રાખી અને કોરોનાના વધતા જતા કેસ તથા મૃત્‍યુ આંકને ધ્‍યાને લઈ સીબીએસઈના ધોરણ-10 અને 12ની પરીક્ષા રદ્દ કરવા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરીને માસ પ્રમોશન કમ માસ પ્રોગ્રેશનની જાહેરાત કરી છે, જ્‍યારે બીજી તરફ ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્‍યું છે, જેના કારણે ગુજરાતમાં ધોરણ-10ના 3.80 લાખ અને ધોરણ-12ના 1.10 લાખ મળીને કુલ 4.90 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓમાં વ્‍યાપક ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર રેગ્‍યુલર વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરે છે તેવી જાહેરાતો કરી વાહવાહી લઈ રહી છે, તો રીપીટર વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કોણ કરશે ? શું કોરોના વાયરસ રીપીટર વિદ્યાર્થીઓને અસરકર્તા નથી ? શું રેગ્‍યુલર વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શક્‍તિ નબળી ગણવામાં આવે છે ? શું રીપીટર્સ વિદ્યાર્થીઓ રીઢા ગુનેગાર છે ? શું રીપીટર વિદ્યાર્થીઓ ગુજરાતના બાળકો નથી ? શું રાજ્‍ય સરકારની જવાબદારી બનતી નથી કે દરેક બાળકને સમાન ધોરણે કોરોના સંક્રમણથી બચાવે ? એવા વેધક પ્રશ્નો ધાનાણીએ મુખ્‍યમંત્રીને કર્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code