મંદિરોના પૂજારીઓના વેતન માટે કમિશન બનાવવાની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે એ જનહિત અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં રાજ્ય સરકારોના નિયંત્રણ હેઠળના મંદિરોના પૂજારીઓ, સેવાદારો અને અન્ય કર્મચારીઓના વેતન તથા સુવિધાઓની સમીક્ષા કરવા માટે ન્યાયિક આયોગ અથવા નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, બંધારણની કલમ ૩૨ હેઠળ આ અરજી પર સુનાવણી થઈ શકે નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું કે જો કોઈ પક્ષ ખરેખર આનાથી પ્રભાવિત થયો હોય, તો તે પોતે સીધો કોર્ટનો સંપર્ક કરી શકે છે. સુનાવણી દરમિયાન ખંડપીઠે અરજીકર્તા અને વરિષ્ઠ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયને ટકોર કરતા કહ્યું કે, તેમને પૂજારીઓના મામલામાં વધુ દખલ ન કરવી જોઈએ, કારણ કે કદાચ તેમને મંદિરોના પૂજારીઓ અને સેવાદારોની વાસ્તવિક આવકની સાચી માહિતી નથી.
બીજી તરફ, ઉપાધ્યાયે દલીલ કરી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટ સહિત દેશની અનેક ઉચ્ચ અદાલતોએ રાજ્ય હસ્તકના મંદિરોના પૂજારીઓના વેતનની સમીક્ષા કરીને તેમને સન્માનજનક જીવન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જો કે, સર્વોચ્ચ અદાલતે આ અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા ઉપાધ્યાયને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી અને કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય કાનૂની વિકલ્પો અપનાવવાની છૂટ આપી છે.


