Site icon Revoi.in

સુરતના તાપી નદીનો કોઝ-વે થયો ઓવરફ્લો, જળ સપાટી 6.60 મીટરે પહોંચી

Social Share

સુરત, 5 જુલાઈ, 2026 : Tapi River causeway overflows દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે સારો વરસાદ પડ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતના તાપી નદી પરના વિયર-કમ-કોઝવેની જળસપાટીમાં સીઝનનો પ્રથમ નોંધપાત્ર વધારો થયો છે. રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો આ કોઝવે ઉપરવાસના પાણીની સતત આવકને કારણે ઓવરફ્લો થઈ ગયો છે. નવા પાણીના આગમનની સાથે જ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

તાપી નદી પરના ઉપરવાસમાં વરસાદ અને ઉકાઈ ડેમમાંથી  પાણી છોડાતા તાપી નદી પરના કોઝવેની જળસપાટી 5.80 મીટર પર પહોંચતા જ સુરક્ષાના ભાગ રૂપે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. હાલ પાણીની આવક ચાલુ રહેતા કોઝવે તેની સામાન્ય સપાટી વટાવીને હાલ 6.80 મીટર પર વહી રહ્યો છે. કોઝવે પર પાણી ફરી વળવાના કારણે વાહનચાલકો કે રાહદારીઓ લપસી ન જાય અથવા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા તેને તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

સુરત શહેરમાં તાપી નદી પરનો કોઝવે શહેરના બે મહત્વના વિસ્તારો રાંદેર અને કતારગામ-વેડરોડને જોડતો સૌથી ટૂંકો માર્ગ છે. રોજિંદા ધોરણે અહીંથી હજારો નોકરીયાત વર્ગ, વેપારીઓ અને સામાન્ય નાગરિકો અવરજવર કરે છે. કોઝવે બંધ થવાના કારણે હવે આ વાહનચાલકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ચોકબજાર થઈને અથવા કેબલ સ્ટેઇડ બ્રિજનો સહારો લઈને જવું પડશે. આ વૈકલ્પિક રૂટના કારણે લોકોને અંદાજિત 7થી 8 કિલોમીટરનો લાંબો ચકરાવો મારવાની ફરજ પડશે. જેના લીધે પીક અવર્સમાં અન્ય સર્કલ પર ટ્રાફિકનું ભારણ વધી શકે છે.

કોઝવેની બંને બાજુએ સુરત મ્યુનિ.કોર્પોરેશનના ફ્લડ કંટ્રોલ વિભાગ દ્વારા તાત્કાલિક બેરિકેડ્સ લગાવી રસ્તો બ્લોક કરી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સેલ્ફી લેવા કે કોઝવેની નજીક ન જવા અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની આવક અને સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઉપરવાસમાંથી વરસાદ ઓછો થતાં જ સપાટી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Exit mobile version