અહો આશ્ચર્યમ! તમામ પક્ષ કરતાં સૌથી વધુ મત મળવા છતાં RJD માત્ર 27 બેઠક ઉપર આગળ!
પટણા, 14 નવેમ્બર, 2025– બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં એક મોટું આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. સાંજે 4.30 વાગ્યા સુધીમાં થયેલી મતગણતરી અનુસાર ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો ઉપર આગળ છે અને તેને અત્યાર સુધીમાં 20 ટકા મત મળ્યા છે. જ્યારે જનતા દળ-યુ 76 બેઠકો ઉપર આગળ છે અને તેને 18.86 ટકા મત મળ્યા છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક ટ્રેન્ડ તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળ માટે જોવા મળ્યો છે. આરજેડી અત્યાર સુધીમાં માત્ર 27 બેઠકો ઉપર આગળ છે પરંતુ તેને મળેલી મતની ટકાવારી સૌથી વધુ છે. આરજેડીને 22.79 ટકા મત મળ્યા છે. અર્થાત સૌથી વધુ બેઠકો જીતનાર ભાજપ કરતાં આશરે બે ટકા વધુ અને જેડી-યુ કરતાં ચાર ટકા વધુ મત મળવા છતાં બેઠકોની સંખ્યાની બાબતમાં છેક પાછળ છે.
2020ની સ્થિતિએ આરજેડીનું પરફોર્મન્સ બેઠકોની દૃષ્ટિએ અત્યંત નબળું દેખાઈ રહ્યું છે. આરજેડીને 2020માં 75 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તે માંડ 27 બેઠકો ઉપર આગળ છે.
તેની સામે 2020માં 74 બેઠક જીતનાર ભાજપ અને 43 બેઠક જીતનાર જેડી-યુ આ વખતે અનુક્રમે 85 અને 77 બેઠકો ઉપર આગળ હોવા છતાં બંને પક્ષને મળેલા મતની ટકાવારી આરજેડી કરતાં ઓછી છે.
નોંધપાત્ર છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીનું આ વખતનું પરિણામ અભૂતપૂર્વ રહેશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. 2020માં નીતિશ કુમારનો જેડી-યુ પક્ષ 43 બેઠકો ઉપર વિજેતા થયો હતો અને ભાજપને 74 બેઠક મળી હતી. તેથી વિરુદ્ધ આ વખતની ચૂંટણીના પરિણામમાં અત્યાર સુધી જે ટ્રેન્ડ છે તે અનુસાર જેડી-યુ 84 બેઠક ઉપર આગળ છે અને ભાજપ 95 બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો છે.
પાંચ વર્ષ પહેલાં ચિરાગ પાસવાનનો પક્ષ માત્ર એક બેઠક જીતી શક્યો હતો જેની સામે આ વખતે અત્યાર સુધી તે 20 બેઠકો ઉપર આગળ છે. એ જ રીતે 2020માં જતીનરામ માંઝીના પક્ષની ચાર બેઠક હતી તેની સામે આ વખતે માંઝીનો પક્ષ પાંચ બેઠક ઉપર લીડ કરી રહ્યો છે.
એનડીએના અન્ય એક સાથી પક્ષ આરએલએમ-ની સ્થાપના 2023માં ઉપેન્દ્ર કુશવાહે કરી હતી તેથી 2020માં તેની કોઈ બેઠક નહોતી, પરંતુ આ વખતે તેમનો પક્ષ પણ ચાર બેઠક ઉપર લીડ કરી રહ્યો છે. આમ આ તમામ એનડીએ જોડાણના પક્ષો હાલ કુલ 243માંથી 208 બેઠકો ઉપર આગળ છે.


