Homeગુજરાતીમુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું શંકાસ્પદ નિધન, ઘરમાંથી બેભાન અવસ્થામાં મળ્યાં...

મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું શંકાસ્પદ નિધન, ઘરમાંથી બેભાન અવસ્થામાં મળ્યાં હતા

લખનૌ, 13 મે 2026: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવનું મંગળવારે વહેલી સવારે અવસાન થયું છે. માત્ર 38 વર્ષની વયે તેમના આકસ્મિક નિધનને પગલે રાજકીય જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, પ્રતીક યાદવ ઘરના રસોડામાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવની તબિયત વહેલી સવારે અચાનક બગડી હતી. પરિવારજનોએ સવારે 4:55 કલાકે હોસ્પિટલને જાણ કરી હતી અને અંદાજે 5:55 કલાકે તેમને લખનૌની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થઈ ચૂક્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેજીએમયુ મોકલવામાં આવ્યો હતો. જ્યાં ચાર ડોક્ટરોની ટીમ દ્વારા વીડિયોગ્રાફી સાથે તપાસ કરવામાં આવશે. પોલીસે પ્રતીક યાદવનો ફોન જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. રસોડામાં તેઓ કઈ પરિસ્થિતિમાં બેભાન થયા તેની પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન પ્રતીક યાદવના મિત્રએ લાશ લીલી પડી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રતીક યાદવ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. 30 એપ્રિલના રોજ તેમને લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયતમાં સુધારો જણાતા તેઓ ડોક્ટરોની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા હતા અને ઘરે જ આરામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ પણ તેમની મુલાકાતે ગયા હતા.

  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો

પ્રતીક યાદવના નિધન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “પ્રતીક યાદવજીનું આકસ્મિક નિધન અત્યંત દુખદ છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.” દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ KGMU પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે પ્રતીક પોતાની મહેનતથી ઘણું હાંસલ કરવા માંગતો હતો, તેનું જવું અત્યંત દુખદ છે.

મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવ રાજકીય પરિવારમાંથી હોવા છતાં સક્રિય રાજકારણથી હંમેશા દૂર રહ્યા હતા. તેઓ ફિટનેસ અને જિમ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા અને સોશિયલ મીડિયા પર પણ પોતાના વર્કઆઉટના વીડિયો શેર કરતા હતા. વર્ષ 2012માં પ્રતીકે અપર્ણા યાદવ સાથે લગ્ન કર્યા હતા, જે યુપીના સૌથી હાઈપ્રોફાઈલ લગ્નોમાંના એક હતા. અપર્ણા હાલમાં ભાજપમાં છે અને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે.

આ પણ વાંચોઃ VIP કલ્ચર પર બ્રેક, PM મોદી અને અમિત શાહ સહિતના મહાનુભાવોએ કાફલામાં કર્યો ઘટાડો

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular