T20 વર્લ્ડ કપ 2026: ICCએ કોમેન્ટ્રી પેનલ જાહેર કરી, ભારતમાંથી 5 મોટા નામ સામેલ
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026 માટે સત્તાવાર કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દીધી છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ મહાકુંભમાં વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરો અને અનુભવી બ્રોડકાસ્ટર્સ અવાજ આપશે. 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે, જેમાં અનુભવ અને યુવા જોશનું મિશ્રણ જોવા મળશે.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ભારત તરફથી પાંચ દિગ્ગજ નામોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી, લિજેન્ડ સુનીલ ગાવસ્કર, દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા અને જાણીતા બ્રોડકાસ્ટર હર્ષા ભોગલેનો સમાવેશ થાય છે. આ પેનલ મેદાન પરની પળેપળની રોમાંચક વિગતો પ્રેક્ષકો સુધી પહોંચાડશે. રસપ્રદ વાત એ છે કે, બાંગ્લાદેશની ટીમ ભલે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ બાંગ્લાદેશી ક્રિકેટનો અવાજ ગણાતા અથર અલી ખાનને આ પેનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્તમાન રાજકીય વિવાદો વચ્ચે બાંગ્લાદેશી કોમેન્ટેટરની પસંદગીને મહત્વની માનવામાં આવે છે.
આ વખતે કોમેન્ટ્રી બોક્સમાં માત્ર નિવૃત્ત ખેલાડીઓ જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાના તેમ્બા બાવુમા અને શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ જેવા સક્રિય ખેલાડીઓ પણ નિષ્ણાત તરીકે જોવા મળશે. આ ઉપરાંત વસીમ અકરમ, ડેલ સ્ટેન, મેથ્યુ હેડન અને નાસિર હુસૈન જેવા દિગ્ગજો પણ પેનલનો ભાગ છે.
બ્રોડકાસ્ટિંગ પાર્ટનર જિયો સ્ટાર એ પણ તેના 100 થી વધુ એક્સપર્ટ્સની પેનલ જાહેર કરી છે. આ વખતે પ્રથમવાર વર્લ્ડ કપમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ઉપરાંત ભોજપુરી અને હરિયાણવી ભાષામાં પણ કોમેન્ટ્રી ઉપલબ્ધ થશે. 2024 ના વર્લ્ડ કપ ચેમ્પિયન યુઝવેન્દ્ર ચહલ જિયો સ્ટાર સાથે પોતાના કોમેન્ટ્રી કરિયરની શરૂઆત કરશે. તેમની સાથે ઈરફાન પઠાણ, હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના અને અનિલ કુંબલે જેવા સ્ટાર ખેલાડીઓ એનાલિસિસ આપતા નજરે પડશે.
આ પણ વાંચોઃ અંડર-19 વર્લ્ડ કપ: ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ સર્જયા


