Site icon Revoi.in

પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ ના કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથીઃ ભારત

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે પાકિસ્તાન સીમા પારના આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરે. ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત સીમા પારના આતંકવાદનો શિકાર છે અને આતંકવાદ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારતીય રાજદૂતે કહ્યું કે, પાકિસ્તાન સાથે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ છે.

કોલંબિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની થીમ ‘રેસ્પોન્ડિંગ ટુ મેજર ગ્લોબલ ચેલેન્જિસઃ ધ ઈન્ડિયા વે’ હતી. આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત પાર્વતનેની હરીશે પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જ્યારે ભારતીય રાજદૂતને પાકિસ્તાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે સંપર્ક કરવાનો અને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતમાં પાકિસ્તાન દ્વારા ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓએ વિશ્વાસને તોડી નાખ્યો છે. પાકિસ્તાન સાથેની વાતચીતમાં પહેલો મુદ્દો આતંકવાદનો અંત છે અને આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

તેમના સંબોધનમાં હરીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક મંચ પર આતંકવાદ એક મોટો મુદ્દો છે. તેમણે કહ્યું, ‘ભારત લાંબા સમયથી સીમાપાર અને વૈશ્વિક આતંકવાદનો શિકાર છે. આતંકવાદ માનવતા માટે એક ‘અસ્તિત્વનો ખતરો’ છે, જે કોઈ સરહદો જાણતો નથી, રાષ્ટ્રીયતા જાણતો નથી. તેમણે કહ્યું, ‘આતંકવાદનો મુકાબલો આંતરરાષ્ટ્રીય સહયોગથી જ થઈ શકે છે.’ આતંકવાદનો સામનો કરવા માટે ભારતના અભિગમની રૂપરેખા આપતા, હરીશે જણાવ્યું હતું કે દેશનું ધ્યાન આતંકવાદનો સામનો કરવા માટે તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને જોડવા પર છે કારણ કે ભારત આ ખતરા પ્રત્યે શૂન્ય સહનશીલતા ધરાવે છે. ભારતીય રાજદૂતે કહ્યું કે અમે 9/11નો બીજો હુમલો નથી ઈચ્છતા અને ન તો 26/11 જેવો મુંબઈ હુમલો ઈચ્છીએ છીએ.

Exit mobile version