નવી દિલ્હી, 5 જૂન 2026: મુફ્ત બિજલી યોજનાએ 2 વર્ષમાં 40 લાખ લાભાર્થી પરિવારોનો આંકડો વટાવી દીધો છે અને મને આશા છે કે ડિસેમ્બર 2026 ના અંત સુધીમાં આપણે 75 લાખ પરિવારોનો આંકડો પાર કરી લઈશું, તેમ કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા તેમજ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે અહીં આયોજિત ‘પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાના બે વર્ષ: સોલર હોમને 1 કરોડ રૂફટોપ સુધી લઈ જવું’ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા એક ચેટ પ્રોગ્રામમાં ભાગ લેતા જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે યુટિલિટી-લિંક્ડ એગ્રીગેશન (ULA) મોડેલ ખાસ કરીને ઓછી સુવિધા ધરાવતા (અંડરસરવ્ડ) ઘરોમાં યોજનાના અમલીકરણને વેગ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલ હેઠળ, વિવિધ રાજ્યોમાં અંદાજે 30 લાખ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનનું આયોજન અગાઉથી જ કરવામાં આવ્યું છે, જેમાં વીજ વિતરણ કંપનીઓ (યુટિલિટીઝ) ઝડપી અમલીકરણ અને સ્વીકૃતિની સુવિધા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે આ પહેલથી ખાસ કરીને 1 kW થી 3 kW વીજળીનો વપરાશ કરતા પરિવારોને ફાયદો થશે અને સસ્તી સ્વચ્છ ઊર્જાની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. પાઇપલાઇનમાં અગાઉથી જ 65 લાખથી વધુ અરજીઓ હોવા સાથે, આ યોજના દેશભરમાં મજબૂત જાહેર ભાગીદારી અને અભૂતપૂર્વ ગતિ જોઈ રહી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનો સોલર વૃદ્ધિ દર ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે પ્રથમ 50 GW ક્ષમતા હાંસલ કરવામાં 96 મહિના લાગ્યા હતા. આગામી 50 GW માં 36 મહિના લાગ્યા અને 100 GW થી 150 GW સુધી પહોંચવામાં માત્ર 14 મહિનાનો સમય લાગ્યો. વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે મે 2026 એ પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના શરૂ થયા પછીનો સૌથી મજબૂત મહિનો હતો, જેમાં એક જ મહિનામાં રેકોર્ડબ્રેક 3.16 લાખ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન થયા હતા અને માત્ર એક જ દિવસમાં 15,000 પરિવારો જોડાયા હતા.
મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે યોજના અપનાવવાની ગતિ આપોઆપ વધી ગઈ છે, જે શરૂઆતમાં એક લાખ પરિવારોને જોડવા માટે 118 દિવસ લેતી હતી તે આજે ઘટીને આઠ દિવસથી પણ ઓછી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે ₹22,750 કરોડથી વધુની સબસિડી વિતરિત કરવામાં આવી છે, જેમાં માત્ર મે 2026 માં જ ₹2,743 કરોડ આપવામાં આવ્યા છે. “પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના ભારતની સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ઊર્જા આત્મનિર્ભરતાને આગળ વધારવાની સાથે વિશ્વના સૌથી મોટા રહેણાંક સોલર બજારોમાંનું એક બજાર બનાવી રહી છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી જોશીએ જણાવ્યું હતું કે એવા સમયે જ્યારે પશ્ચિમ એશિયા સંકટને કારણે વિશ્વ ઊર્જા અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના જેવી પહેલો ભારતની ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરી રહી છે. તેમણે કહ્યું કે રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન આ યોજના પહેલા પ્રતિ માસ આશરે 7000 હતા તે વધીને આજે પ્રતિ માસ ત્રણ લાખથી વધુ થઈ ગયા છે. 17 લાખથી વધુ પરિવારોએ શૂન્ય વીજળી બિલ હાંસલ કર્યું છે, જે પરિવારોની સીધી બચત દર્શાવે છે.
મંત્રીને વિશ્વાસ છે કે 2047 સુધીમાં દરેક ઘર પર રૂફટોપ સોલર હશે અને તેમણે જણાવ્યું કે, “પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના એક જન આંદોલન બનશે.” મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ભવિષ્ય તરફ જોતાં, જેમ જેમ સ્ટોરેજ ખર્ચ ઘટશે તેમ તેમ આપણે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ને એકીકૃત કરીશું અને મોડેલ સોલર વિલેજ પહેલ દ્વારા આ યોજનાનો વ્યાપ વધારીશું.


