સુરેન્દ્રનગર, 5 જુન, 2026 : Congress holds protest rally against inflation and unemployment શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં ‘આક્રોશ રેલી’ યોજવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મહેન્દ્ર પરમારની આગેવાની હેઠળ રેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધિત કરતું આવેદનપત્ર અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતાને મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારાથી ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. આવેદનપત્રમાં NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના મુદ્દા પર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવી પડી હતી, જેનાથી લાખો વિદ્યાર્થીઓને અસર થઈ હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે ભવિષ્યમાં પેપર લીક ન થાય અને પરીક્ષાઓ રદ ન થાય તેની સરકાર લેખિત ખાતરી આપે.
આવેદન પત્રમાં ડિજિટલ ગુજરાત અંતર્ગત શરૂ કરાયેલી ઓનલાઈન પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કહેવું છે કે સામાન્ય પ્રજા આ પ્રક્રિયાથી માહિતગાર નથી. ગ્રામીણ અને ગરીબ વર્ગ પાસે એન્ડ્રોઇડ ફોન ન હોવાથી તેમને મુશ્કેલી પડી રહી છે. ઓનલાઈન ફોર્મના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આરોપ મુકાયો હતો. જ્યાં સુધી દરેક વિસ્તારમાં કેમ્પ કરીને લોકોને માહિતગાર ન કરાય, ત્યાં સુધી આ ઓનલાઈન પ્રક્રિયા સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી હતી.
આ આક્રોશ રેલીમાં સુરેન્દ્રનગર શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ, તમામ વોર્ડના પ્રમુખો, મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક જનતા જોડાઈ હતી. રેલી દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

