અમદાવાદ, 21 એપ્રિલ 2026: Temperatures in Gujarat will reach 43 degrees for 5 days ગુજરાતમાં વૈશાખી વાયરા સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે અમરેલી અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડીસા, અને વડોદરામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતું. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી 5 દિવસમાં તાપમાનનો પારે 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હવે ઉનાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. ઉનાળાના આકરા મિજાજ વચ્ચે રાજ્યભરમાં હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. રાજકોટ 41.1°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. દિવસભર રાજકોટવાસીઓએ ભારે ગરમી અને સાંજે ઉકળાટનો અનુભવ કર્યો હતો. અમદાવાદ શહેરમાં આજથી સતત સાત દિવસ માટે ગરમીનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં અમદાવાદ સહિત શહેરોનું તાપમાન વધીને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે,
IMDના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સેટેલાઇટ ડેટા અને આધુનિક ટેકનોલોજીની મદદથી શહેરના કુલ 76 વિસ્તારોને ‘હીટ હોટસ્પોટ્સ’ તરીકે જાહેર કર્યા છે. પૂર્વ અમદાવાદમાં લાંભા વોર્ડમાં સૌથી વધુ 12 હોટસ્પોટ્સ નોંધાયા છે. આ ઉપરાંત વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12 થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.
રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલે મતદાનના દિવસે પણ ગરમી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારો અને કાર્યકરોને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

