Site icon Revoi.in

આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છેઃ નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો એક શરમજનક ઘટના હતી. અમે આતંકવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ‘અમે આતંકવાદ અને આતંકવાદીઓને ટેકો આપનારાઓ સામે કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’ અમે માનીએ છીએ કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ હું અંગોલાના રાષ્ટ્રપતિનો આભાર માનું છું.

અંગોલાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું, ‘હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું.’ આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી, અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે, પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આ વર્ષે, ભારત અને અંગોલા તેમના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. પણ આપણા સંબંધો એના કરતાં ઘણા જૂના અને ઊંડા છે. જ્યારે અંગોલા સ્વતંત્રતા માટે લડી રહ્યું હતું, ત્યારે ભારત પણ સંપૂર્ણ વિશ્વાસ અને મૈત્રીપૂર્ણ સંબંધો સાથે અંગોલાની સાથે ઊભું હતું.