
ભાજપાએ કોંગ્રેસનો ગઢના કાંકરા ખેરવ્યા, દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર અને જિલ્લાની બેઠકો ઉપર ભાજપ આગળ જોવા મળતી હતી. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દરિયાપુરની બેઠક ઉપર ભાજપાએ ઐતિહાસિક જીત મેળવીને રાજકીય પંડીતોને પણ ચોંકાવી દીધા હતા. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતી ખાડિયા-જમાલપુર બેઠક કોંગ્રેસે જાળવી રાખી હતી.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક ઉપર ભાજપ જીત તરફ સતત આગળ વધી રહ્યું છે. આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ હરિફ કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક અને આપના ઉમેદવાર સામે જંગી લીડ મેળવશે. જો કે, અમદાવાદની દરિયાપુર બેઠક ઉપર ભાજપાએ અપસેટ સર્જયો હતો. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવાર બદરુદ્દીનને મેદાનમાં ઉતાર્યાં હતા. જ્યારે ભાજપાએ સિનિયર નેતા કૌશિક જૈનને ઉમેદવાર જાહેર કર્યા હતા.
મુસ્લિમ બહુમતી ધરાવતી દરિયાપુર બેઠક ઉપર કોંગ્રેસનો જ વિજય થવાની આશાઓ વ્યક્ત થઈ હતી. જો કે, આ બેઠક ઉપર ભાજપાએ ઈતિહાસ રચી નાખ્યો છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનનો વિજય થયો હતો. બીજી તરફ મુસ્લિમ બહુમતી ધરાવતા જમાલપુર-ખાડીયા બેઠક ઉપરથી ભાજપાએ સિનિયર નેતા ભુષણ ભટ્ટ અને કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને મેદાનમાં ઉતાર્યાં હતા. આ બેઠક ઉપરથી કોંગ્રેસના જ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની જીત થવાની આશાઓ પહેલાથી સેવાઈ રહી હતી, અને આશાઓ અનુસાર જ કોંગ્રેસના ઉમેદવાર હરિફ ભાજપના ભુષણ ભટ્ટને હરાવીને ફરીથી વિજેતા બન્યાં હતા.