
અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે સવારે 7 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 70 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.ઉપરાંત આજે સવારે ગીર સોમનાથમાં વેરાવળમાં 2 મીમી, સુત્રાપાડામાં 3 મીમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મીમી વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે છતાં મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે.
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો સુધીમાં કુલ 20.09 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 23.29 ટકા વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 17.87 ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો 18.86 ઈંચ વરસાદ થયો છે.