
કેરળમાં ટ્રેનમાં આગ લગાવવાની ઘટનામાં દિલ્હીનું શાહિનબાગ અને યુપીના સૈફીનું કનેક્શન સામે આવ્યું
મુંબઈઃ કેરળમાં ચાલતી ટ્રેનમાં સહપ્રવાસી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાની ઘટનામાં 3 પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે આઠેક વ્યક્તિઓ દાઝી હતી. આ દૂર્ઘટનાની તપાસ આરંભીને પોલીસે મહારાષ્ટ્રના રત્નાગીરીથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનું દિલ્હીના શાહીનબાગ અને ઉત્તરપ્રદેશના સૈફીનું કનેક્શન સામે આવ્યું છે. જેથી કેરળ પોલીસે તપાસ દિલ્હી અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના કોઝિકોડમાં ટ્રેનના કોચમાં આગ લગાવીને ત્રણ લોકોની હત્યા કરનાર વ્યક્તિની મહારાષ્ટ્ર ATSએ ધરપકડ કરી છે. કેરળમાં ટ્રેનમાં આગ લગાવવાના ચકચારી કેસના આરોપી શાહરૂખ ઉત્તરપ્રદેશના સૈફીનો મૂળ રહેવાસી છે. એટલું જ નહીં હાલ દિલ્હીના શાહીન બાગમાં એફ બ્લોકમાં આઠ નંબરના આવાસમાં રહે છે. કેરળ પોલીસની એક દિલ્હીમાં શાહરૂખના ઘરે આવી હતી. ગત 2 એપ્રિલે શાહરૂખ સૈફીના પિતાએ દક્ષિણ પશ્ચિમ દિલ્હીના શાહીન બાગ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો.
આરોપી શાહરુખની મહારાષ્ટ્રના રત્નાગીરીથી ધરપકડ કરવામાં આવી છે. કેરળ પોલીસની એક ટીમ પણ આરોપીને કસ્ટડીમાં લેવા માટે રત્નાગિરી પહોંચી હતી. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ શાહરૂખ સૈફી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ અંગે કહ્યું હતું કે, આ જઘન્ય અપરાધના ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે.
કેરળમાં કોઝિકોડ જિલ્લાના ઇલાથુર પાસે રવિવારે રાત્રે એક અજાણ્યા શખ્સે સહ-યાત્રી પર પેટ્રોલ છાંટીને ચાલતી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં માતા-પુત્રી સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. બંનેના મૃતદેહ અલાથુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પરથી મળી આવ્યા હતા. આ ઘટનામાં લગભગ આઠ લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અલપ્પુઝા-કન્નુર ચીફ એક્ઝિક્યુટિવ એક્સપ્રેસના D1 ડબ્બામાં રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી ચેઈન ખેંચાયા બાદ આરોપી ભાગી ગયો હતો. જ્યારે ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને કોરાપુઝા રેલ્વે બ્રિજ પર પહોંચી, ત્યારે મુસાફરોએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને જાણ કરતા તંત્રએ આગને કાબૂમાં લીધી.