1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવેલા શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત
રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવેલા શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત

રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા આવેલા શિક્ષણ મંત્રીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત

0
Social Share

ગાંધીનગરઃ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી અને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શિક્ષણ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલન કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યના શિક્ષણ મંત્રી, તેમજ વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ અલગ-અલગ ચાર જૂથમાં વહેંચાઈને સેક્ટર-19, ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વેળાએ રાજ્યના શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણી તેમજ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને શ્રી કિર્તીસિંહ વાઘેલાએ સહભાગી થઇ વિસ્તૃત વિગતો પૂરી પડી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાનની આગેવાની હેઠળનું જૂથના સભ્યો વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ મણીપુર, ગોવા, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, આસામ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યના શિક્ષણ મંત્રીઓ ઉપરાંત શિક્ષણ વિભાગના સચિવો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ તકે શિક્ષણ સચિવ  વિનોદ રાવ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની કાર્યપ્રણાલી દ્વારા ટેકનોલોજી અને ઓનલાઈન શિક્ષણ દ્વારા દરેક વિદ્યાર્થીની શીખવાની પ્રગતિ અને ગ્રેડ યોગ્ય શિક્ષણ પરિણામો, ઓનલાઈન વિદ્યાર્થીઓની હાજરી(એટેન્ડન્સ સિસ્ટમ), વિદ્યાર્થી માટે નિદાન કસોટી અને ઓરલ રીડીંગ ફ્લુઅન્સી ટેકનિક તેમજ ચાઈલ્ડ ટ્રેકીંગ સિસ્ટમનો ઉપયોગ જણાવી વિસ્તૃત વિગતો આપી હતી.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની કાર્યપ્રણાલી અંગે પ્રશંસા કરી હતી. માઈક્રોસોફ્ટ વર્ચ્યુઅલ ટીચિંગ, દીક્ષા, જી-શાળા, ટીમ્સ અને યુટ્યુબ જેવા વિવિધ નવીન પ્રકલ્પો તથા કોવિડ દરમિયાન વિદ્યાર્થીઓને અપાયેલા ઓનલાઈન શિક્ષણ અને તેના ડેટા વિશ્લેષણ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે વિવિધ સ્તરે શિક્ષણ વધારવામાં મદદ કરી તેનાથી સૌને વાકેફ કરવામાં આવ્યા હતાં. શિક્ષણના હાર્દસમી એકમ કસોટી (PAT) અને સત્રાંત કસોટી(SAT)ના સ્કોર્સની નિપજરૂપ પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને આચાર્યને વિદ્યાર્થીઓના અધ્યયન સ્તર,શાળાઓના શિક્ષણ સ્તરને સુધારવામાં મદદ કરે છે તે ફલશ્રુતિની વાત સદ્રષ્ટાંત રજૂ કરાઈ.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી દ્વારા ખાનગી શાળાઓને આ પ્રકારની પધ્ધતિ અપનાવવાથી કેવા પ્રકારનો અને કેટલો ફાયદો થયો તેની જાણકારી મેળવી હતી.નિદર્શન દરમિયાન ઉપસ્થિત થયેલા પ્રશ્નમાં ડેટા એનાલિસીસની સમગ્ર પ્રક્રિયા દરમિયાન શિક્ષકને કેટલો સમય ફાળવવો પડે અને ડેટાના આધારે વિદ્યાર્થીની શિક્ષણ ગુણવત્તા પર કેટલી અસર થાય તેનો સમાવેશ થયો હતો. આ બાબતને ધ્યાને રાખી ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓના સ્કૂલીંગ ટુ લર્નીંગ દ્વારા તેના પરિણામ પર પડતી સકારાત્મક અસરને શિખવાના પરિણામ સાથે જોડી શકાય તે અંગે સૂચન કર્યું હતું. ડેટા સંગ્રહ બાદ તેનો વર્ગખંડ પ્રક્રિયાના આયોજનમાં વિવિધ સ્તરે કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી.

શિક્ષણ કોન્ફરન્સમાં ગુણોત્સવ 2.0 ની કાર્ય પધ્ધતિની પણ ચર્ચા કરવામાં આવી અને કેવી રીતે શાળાઓનું ગ્રેડેશન કરવામાં આવે છે તે પધ્ધતિ સમજાવવામાં આવી હતી. એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષાના નિયમિત આયોજન દ્વારા દરેક વિદ્યાર્થી ગ્રેડ એપ્રોપ્રીએટ લર્નીંગ આઉટકમ્સ  પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો અને પરિણામોની જાણકારી શિક્ષણ સચિવ દ્વારા આપવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની શૈક્ષણિક ગુણવત્તાની કાર્યપ્રણાલિની પ્રશંસા કરી અન્ય સંસ્થાઓ જેવી કે, ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ-ઈન્ફોર્મેટીક્ટ્સ(BISAG-N), ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ની પણ મુલાકાત લીધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code