1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં CAના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલે કરાવ્યો શુભારંભ
અમદાવાદમાં CAના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલે કરાવ્યો શુભારંભ

અમદાવાદમાં CAના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલે કરાવ્યો શુભારંભ

0
Social Share

અમદાવાદઃ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઈન્ડિયાના વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધન બોર્ડ દ્વારા આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ અમદાવાદમાં  શુભારંભ કરાવ્યો હતો. ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયાના પશ્ચિમ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશનની અમદાવાદ શાખાના યજમાનપદે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત 4,000 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.

અમદાવાદમાં સીએ સ્ટુડન્ટ્સની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનો શુભારંભ કરાવતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવા સંકલ્પબદ્ધ છે. ત્યારે આર્થિક અને ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા રાષ્ટ્ર પ્રગતિના માર્ગે અગ્રેસર છે. વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થામાંથી ત્રીજા ક્રમે આવવાની ગેરંટી છે, તે સમયે ભારતના યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને રાષ્ટ્રની વિકાસયાત્રામાં વિશેષ યોગદાન આપવાની તક મળી છે તે તેમનું સદભાગ્ય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ભણતા વિદ્યાર્થીઓ કારકિર્દીમાં સફળ થાય અને સરકાર તથા ઉદ્યોગ-વ્યવસાયકારો વચ્ચે સેતુ બનીને રાષ્ટ્રહિતમાં પોતાની વ્યવસાયિક સેવાઓ આપે એ માટે તેમણે અપીલ કરી હતી.

‘પુરુષાર્થ ચતુષ્ટય’ ના સંદર્ભ સાથે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ સી.એ. વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ભારતીય પરંપરામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ‘અર્થ’ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. માનવજીવનની આ મહત્વની જરૂરિયાતની પૂર્તિ કરતાં કરતાં રાષ્ટ્રની પ્રગતિ માટે પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ચિંતિત રહીને વ્યવસાયિક જવાબદારીઓ નિભાવવી જોઈએ. સમગ્ર વિશ્વમાં ભારતની ગરિમા અને ગૌરવ વધ્યાં છે. રાષ્ટ્ર પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સરકાર અને વેપાર-ઉદ્યોગ વચ્ચે મહત્વની કડી તરીકે કામ કરીને દેશના વિકાસમાં યોગદાન આપે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે વિશેષ પરિશ્રમ કરવો પડે છે, એ માટે વિદ્યાર્થીઓની પ્રશંસા કરતાં રાજ્યપાલએ  કહ્યું હતું કે, કઠોર પરિશ્રમ જ જીવનમાં સફળતા મેળવવાનો એકમાત્ર માર્ગ છે. કઠોર પરિશ્રમથી તમે સી.એ. બની રહ્યા છો ત્યારે સફળ સી.એ. થઈને દેશની આર્થિક સમૃદ્ધિમાં યોગદાન આપો. સાથોસાથ તેમણે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની પણ શિખામણ આપી હતી.

સી.એ. વિદ્યાર્થીઓને ‘રાષ્ટ્રની સંપત્તિ’ ગણાવતાં રાજ્યપાલએ  કહ્યું કે, શુદ્ધ અને સાત્વિક ખાનપાન તથા આદર્શ જીવનશૈલીથી તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવી રાખવું એ સૌની વ્યક્તિગત જવાબદારી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમાજના અન્ય તમામ વર્ગો માટે પ્રેરણાદાયી હોય છે, ત્યારે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આદર્શ જીવનશૈલી અપનાવે તેઓ અનુરોધ પણ તેમણે કર્યો હતો. આદર્શ જીવનશૈલીથી જીવનમાં સુખ, શાંતિ અને આનંદ રહે છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયમાં હંમેશા સત્યનો માર્ગ અપનાવીને પ્રમાણિકતા જાળવવા,  રાષ્ટ્રધર્મથી કર્તવ્યનું પાલન ઈમાનદારીપૂર્વક કરવા, રાષ્ટ્ર અને સમાજના હિતમાં ટેક્સચોરીથી પર રહીને પ્રત્યેકને પોતાના હક્કનું અને હિસ્સાનું મળે એ રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો. અપરિગ્રહ અને સંયમિત જીવન આત્મિક બળ આપે છે. પ્રમાણિકતાથી કરેલા કર્મો હંમેશા સારું ફળ આપે છે. તેમણે તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિદ્યાર્થીઓને જીવન મૂલ્યો જાળવી રાખીને પૂર્ણ પરિશ્રમથી ગરીબી દૂર કરવા, દેશની સમૃદ્ધિ વધારવા અને યશ-કીર્તિ મળે એ પ્રકારે વ્યવસાયિક કામ કરવાની અપીલ કરી હતી.

ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ સી.એ.  અનિકેત સુનિલ તલાટીએ આ અવસરે કહ્યું હતું કે, ICAI માં શરૂઆત ‘આઈ’ થી થાય છે એટલે કે, આપણી જાતથી થાય છે અને છેલ્લે પણ ‘આઈ’ છે, જે ઇન્ડિયાનો છે. આઈ.સી.એ.આઈ. ની કડક અને આદર્શ પરીક્ષા પદ્ધતિની સુપ્રીમ કોર્ટ પણ સરાહના કરે છે ત્યારે સખત પરિશ્રમ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતા વિદ્યાર્થીઓએ સમાજના ઉત્કર્ષ માટે પણ યોગદાન આપવું જોઈએ.

વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  એ. ડી. ગાંધીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા કઠોર પરિશ્રમ કરીને પરસેવો પાડે છે તેનું સૌથી વધુ મહત્વ છે, એમ કહીને તેમણે સી.એ. બનીને સમાજના ઉત્થાન માટે કામ કરવા આહ્વાન આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code