1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. ભારતના સંસદમાં લાગેલું પેન્ડ્યુલમ સાબિત કરે છે કે પૃથ્વી સતત ફરી રહી છે
ભારતના સંસદમાં લાગેલું પેન્ડ્યુલમ સાબિત કરે છે કે પૃથ્વી સતત ફરી રહી છે

ભારતના સંસદમાં લાગેલું પેન્ડ્યુલમ સાબિત કરે છે કે પૃથ્વી સતત ફરી રહી છે

0
Social Share
  • તે એક વિચારનું પ્રતીક છે કે લોકશાહી, જ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે આગળ વધતું ભારત બ્રહ્માંડને સમજવાની જિજ્ઞાસા પણ રાખે છે

ભારતના નવા સંસદ ભવનમાં અનેક એવી રચનાઓ અને પ્રતીકો સમાવાયા છે, જે ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને આધુનિક વિચારધારાને એકસાથે રજૂ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવી વૈજ્ઞાનિક રચના પણ સ્થાપિત કરવામાં આવી છે, જે કોઈ ઉપગ્રહ, ટેલિસ્કોપ કે અંતરિક્ષયાન વિના આપણી પૃથ્વી સતત પોતાની ધરી પર ફરી રહી છે સાબિત કરી બતાવે છે. આ વિશાળ સાધનનું નામ છે – ફૌકોલ્ટ પેન્ડ્યુલમ (Foucault Pendulum). તેનું નામ ફ્રાન્સના ભૌતિકશાસ્ત્રી લિયોન ફૌકોલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે વર્ષ 1851માં પહેલીવાર જાહેર રીતે એવો પ્રયોગ કરીને બતાવ્યો હતો કે પૃથ્વીનું ધરીભ્રમણ માત્ર ગણતરીથી નહીં પરંતુ સીધું જોઈ પણ શકાય છે.

લેખક શ્રી જાણીતા પી.આર.એલ.ના વરિષ્ઠ વિજ્ઞાની શ્રી હરિ ઓમ વત્સ, કેબિનેટ મિનિસ્ટર શ્રી ઓમ પ્રકાશ શકલેચા તેમજ ઈસરોના અન્ય વિજ્ઞાનીઓને તેમણે બનાવેલા ફૌકોલ્ટનું પેન્ડ્યુલમની સમજૂતી આપે છે.
લેખક શ્રી જાણીતા પી.આર.એલ.ના વરિષ્ઠ વિજ્ઞાની શ્રી હરિ ઓમ વત્સ, કેબિનેટ મિનિસ્ટર શ્રી ઓમ પ્રકાશ શકલેચા તેમજ ઈસરોના અન્ય વિજ્ઞાનીઓને તેમણે બનાવેલા ફૌકોલ્ટનું પેન્ડ્યુલમની સમજૂતી આપે છે.

ભારતના નવા સંસદ ભવનમાં આ પેન્ડ્યુલમ બંધારણ કક્ષના ઉપરના ભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. લગભગ 22 મીટર લાંબી દોરીમાં ભારે ગોળાકાર બોબ(ગોળો) લટકાવવામાં આવ્યો છે, જેનું વજન અંદાજે 36 કિલોગ્રામ જેટલું છે. પરંતુ આ પેન્ડ્યુલમ માત્ર શોભા માટે મૂકાયેલું નથી. તે એક જીવંત વૈજ્ઞાનિક પ્રયોગ છે. સામાન્ય લોલકમાં કોઈ વજનને દોરીથી લટકાવીને એક તરફ ખેંચીને છોડવામાં આવે તો તે આગળ-પાછળ ઝૂલતું રહે છે. થોડા સમય પછી હવાના ઘર્ષણ અને અન્ય અસરોથી તે ધીમે ધીમે અટકી જાય છે. ફૌકોલ્ટ પેન્ડ્યુલમ પણ મૂળભૂત રીતે લોલક જ છે, પરંતુ તેની રચના વિશેષ છે. તેમાં દોરી ખૂબ લાંબી રાખવામાં આવે છે અને નીચે ભારે ગોળો લગાડવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી એક જ સમતલમાં ઝૂલતો રહે.

આ પણ વાંચોઃ હવામાન અને શરીર વચ્ચેનો સંબંધ એટલે બાયોમિટિયોરોલોજી

આ વ્યવસ્થા દિશા બદલતી નથી તેમ છતાં દિશામાં દેખાતો ફેરફાર તો માત્ર પૃથ્વીના ધરીભ્રમણને કારણે જ થાય છે. ભારતીય સંસદમાં આ પેન્ડ્યુલમનું સ્થાપન માત્ર વૈજ્ઞાનિક પ્રદર્શન નથી. તે એક વિચારનું પ્રતીક છે કે લોકશાહી, જ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે આગળ વધતું ભારત બ્રહ્માંડને સમજવાની જિજ્ઞાસા પણ રાખે છે. સંવિધાનમાં દર્શાવેલી વૈજ્ઞાનિક દૃષ્ટિ અને જ્ઞાનપ્રત્યેની પ્રતિબદ્ધતાનું આ એક સુંદર પ્રતીક કહી શકાય. આજે સંસદ ભવનમાં ઝૂલતું આ વિશાળ પેન્ડ્યુલમ જાણે દરેક ક્ષણે આપણને એક જ વાત યાદ અપાવે છે કે પૃથ્વી ભલે આપણને સ્થિર દેખાય, પરંતુ આપણો ગ્રહ એક ક્ષણ માટે પણ અટક્યો નથી. તે સતત પોતાની ધરી પર ફરી રહ્યો છે.

અહીંથી શરૂ થાય છે સૌથી રસપ્રદ વિજ્ઞાન. ધારો કે પેન્ડ્યુલમને ઉત્તર–દક્ષિણ દિશામાં ઝૂલવા માટે છોડવામાં આવ્યું છે. આપણી સામાન્ય સમજ પ્રમાણે તે સતત એ જ દિશામાં ઝૂલતું રહેવું જોઈએ. પરંતુ થોડો સમય પસાર થયા પછી જોનાર વ્યક્તિને એવું દેખાવા લાગે છે કે પેન્ડ્યુલમની ઝૂલવાની દિશા ધીમે ધીમે બદલાઈ રહી છે. શું ખરેખર પેન્ડ્યુલમ પોતાની દિશા બદલે છે? જવાબ છે – ના. ખરેખર તો પેન્ડ્યુલમને એક વાર ગતિ મળ્યા પછી શક્ય તેટલું એક જ સમતલમાં ઝૂલવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેની નીચે સંસદ ભવન, દિલ્હી શહેર અને સમગ્ર પૃથ્વી સતત પોતાની ધરી પર ફરી રહ્યા હોય છે. આ કારણે ફર્શ પર ઊભેલા માણસને એવું લાગે છે કે પેન્ડ્યુલમની દિશા બદલાઈ રહી છે. સરળ ભાષામાં કહીએ તો પેન્ડ્યુલમ લગભગ સ્થિર રહે છે, પરંતુ તેની નીચેની પૃથ્વી ફરી રહી હોય છે.

આ પણ વાંચોઃ વાચનવૃત્તિને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે Club YOUTH उपनिषद्

આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માનો કે તમે એક ફરતા ગોળ મંચ પર ઊભા છો અને તમારા ઉપર કોઈ વસ્તુ એક જ દિશામાં આગળ–પાછળ હલી રહી છે. મંચ ફરવા લાગશે તો તમને લાગશે કે વસ્તુએ દિશા બદલી, જ્યારે હકીકતમાં તમે જ ફર્યા છો. ફૌકોલ્ટ પેન્ડ્યુલમમાં આ ફરતું મંચ એટલે આપણી પૃથ્વી. પેન્ડ્યુલમની નીચે ગોળાકાર નિશાન અને દિશાઓ દર્શાવવામાં આવે છે. સમય જતાં પેન્ડ્યુલમનું ઝૂલવાનું સ્થાન બદલાતું દેખાય છે અને ધીમે ધીમે તે નવા નિશાનો તરફ આગળ વધતું જણાય છે. જો પૃથ્વી બિલકુલ સ્થિર હોત તો પેન્ડ્યુલમ લાંબા સમય સુધી એક જ રેખા પર ઝૂલતું રહેત.

પરંતુ દિશામાં દેખાતો આ ફેરફાર બતાવે છે કે જમીન જ પોતાની ધરી પર ફરી રહી છે. આ અસરને સામાન્ય રીતે પૃથ્વીના પરિભ્રમણ અને કોરિયોલિસ અસર દ્વારા સમજાવવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે પેન્ડ્યુલમની દિશા બદલાવાની ગતિ દરેક જગ્યાએ સમાન નથી. દિલ્હીમાં જે ગતિ છે તે ગતિ અમદાવાદમાં ન હોય તે જ રીતે બેંગ્લોરમાં પણ કોઈ જુદી જ હોય છે. ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પર તે લગભગ 24 કલાકમાં એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કરે છે. જ્યારે ભૂમધ્ય રેખા પર એવો ફેરફાર દેખાતો નથી. નવી દિલ્હી આશરે 28.6° ઉત્તર અક્ષાંશ પર આવેલી હોવાથી સંસદમાં લાગેલા પેન્ડ્યુલમને તેના ઝૂલવાના સમતલમાં દેખાતો એક પૂર્ણ ફેરફાર કરવા માટે લગભગ 49 કલાક 59 મિનિટનો સમય લાગે છે. આનો અર્થ એવો નથી કે પૃથ્વી 50 કલાકમાં ફરે છે. પૃથ્વી તો લગભગ 24 કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે. આ સમય માત્ર પેન્ડ્યુલમના દેખાતા સમતલ પરિવર્તનનો છે.

પેન્ડ્યુલમ સતત ઝૂલતું કેવી રીતે રહે?

સવાલ થાય કે પેન્ડ્યુલમ સતત ઝૂલતું કેવી રીતે રહે? હવા અને ઘર્ષણને કારણે કોઈપણ પેન્ડ્યુલમ ધીમે ધીમે અટકી જાય. તેથી આવા મોટા ફૌકોલ્ટ પેન્ડ્યુલમમાં નિયંત્રિત વિદ્યુતચુંબકીય વ્યવસ્થા રાખવામાં આવે છે, જે ખૂબ હળવો ઊર્જા પુરવઠો આપીને તેને ઝૂલતું રાખે છે.

અત્યારે ફૌકોલ્ટ પેંડ્યુલમ ઉપર ચર્ચા કરવાનું કારણ છે. પાલીતાણા ની બાજુમાં શંખેશ્વર પુરમમાં એક વિજ્ઞાન તીર્થ આકાર લઈ રહ્યું છે. ધર્મમાં વિજ્ઞાન પર અહીં સંશોધનનું કામ ચાલશે. અહીં વિજ્ઞાનની પરિભાષા સમજાવતા અનેક મોડેલ ની રચના થવાની છે. આચાર્યશ્રી લબ્ધી ચંદ્ર સુરીસાગરજી એ આ જવાબદારી મને સોંપી છે.તેની તૈયારીરૂપે સૌ પ્રથમ ફૌકોલ્ટ પેંડ્યુલમ ની રચના અમે કરી છે. તેની ડિઝાઇન તૈયાર કરવામાં અમને ખૂબ જ અડચણ પડી. પરંતુ મને ફૌકોલ્ટ કરતાં કંઈક અલગ જ અનુભવ ભારતના વૈજ્ઞાનિકો સાથે થયો. તેની રચના ધારીએ એટલી સહેલી નહીં હોવાથી ખૂબ જ ઓછા સાયન્સ સેન્ટર કે પ્લેનેટોરિયમ માં જોવા મળે છે.આ પ્રકારનું પહેલું લોલક ભારત ખાતે 1991 માં પુણેમાં ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. પી.આર.એલ. માં પણ આ પેન્ડ્યુલમની સ્થાપના કરવામાં આવી હતી. દિલ્હીમાં નવી સંસદમાં પણ આ પેંડ્યુલમની રચના કરવામાં આવેલી છે. અહીં લોલકના તમામ ઘટકો ગનમેટલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

******

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code