રાજ્યના સરકારી બાબુઓએ વોટ્સએપને પણ કચેરીની ધૂળ ખાતી ફાઈલ બનાવી દીધી છે
- વોટ્સએપ પર બ્લ્યુ ટિક બંધ કરીને સરકારી બાબુઓ જવાબદારીથી છટકબારી શોધે છે?
- ફોન સરકારી અને રિચાર્જ પ્રજાના ટેક્સના નાણામાંથી, છતાં પ્રજા પ્રત્યેની જવાબદારી બાબતે સરકારી બાબુઓનું વલણ ચિંતાજનક
હેમંત પરમાર, અરવલ્લી
એક તરફ રાજ્ય સરકાર સુશાસન, ઝડપી વહીવટ અને ડિજિટલ ઈન્ડિયાના મોટા-મોટા દાવા કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે રાજ્યના સરકારી બાબુઓએ વોટ્સએપને પણ કચેરીની ધૂળ ખાતી ફાઈલ બનાવી દીધી છે. નાગરિકોની સુવિધા અર્થે જાહેર કરાયેલા સરકારી વોટ્સએપ નંબરો પર મેસેજ તો પહોંચી જાય છે, પરંતુ અધિકારીઓએ એવી જાદુઈ સેટિંગ કરી રાખી છે કે મેસેજ વંચાયો કે નહીં તેની બ્લ્યુ ટિક જ દેખાતી નથી. પ્રજા મેસેજ મોકલીને જવાબની રાહ જોતી રહે છે અને સરકારી અધિકારીઓ સાઇલેન્ટ મોડ પર રહીને પ્રજાના ટેક્સમાંથી મળતા પગાર અને સુવિધાઓનો આનંદ માણે છે.
બિલ સરકાર ભરે, પણ જવાબ ક્યારે?
હકીકત તો એ છે કે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના મોટાભાગના અધિકારીઓના મોબાઇલ બિલનો ખર્ચ રાજ્ય સરકાર એટલે કે નાગરિકોના ટેક્સના પૈસામાંથી ચૂકવવામાં આવે છે. આ સુવિધા એટલા માટે આપવામાં આવે છે જેથી સામાન્ય નાગરિક પોતાની મુશ્કેલીઓ કે ફરિયાદો અંગે અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક કરી શકે અને તેનો ઉકેલ લાવી શકે. પરંતુ કડવું સત્ય એ છે કે રાજ્યના આશરે ૮૭% અધિકારીઓએ પોતાના વોટ્સએપમાં રીડ રિસિપ્ટ એટલે કે બ્લ્યુ ટિક બંધ કરી રાખી છે. બાકી બચેલા ૧૩% અધિકારીઓના વોટ્સએપમાં બ્લ્યુ ટિક તો થાય છે, પરંતુ તેમાંથી માત્ર ૧.૫% અધિકારીઓ જ નાગરિકોના મેસેજનો જવાબ આપવાની સજ્જનતા કે તસ્દી દાખવે છે.
અહીં સવાલ એ ઊભો થાય છે કે, શું રાજ્યના અધિકારીઓ પોતાની સરકારી અને નૈતિક જવાબદારીઓથી ભાગી રહ્યા છે? જે મેસેજમાં પોતાનો કોઈ અંગત લાભ કે સ્વાર્થ દેખાતો હોય, શું અધિકારીઓ ફક્ત તેનો જ જવાબ આપે છે? જો પ્રજાના પૈસે મોબાઈલનું રિચાર્જ થતું હોય, તો પછી વોટ્સએપ પર પારદર્શિતા રાખવામાં આટલો ડર શા માટે?
ડિજિટલ યુગમાં પણ ધક્કા યથાવત
આજકાલ તાલુકા કક્ષાની કચેરી, જીલ્લા કક્ષાની કચેરી અને ગાંધીનગર સચિવાલય સુધીના મોટાભાગના વિભાગોમાં લોકોને “વોટ્સએપ પર રજૂઆત કરી દો” તેવી સલાહ આપી દેવામાં આવે છે. પરંતુ આ સલાહ નાગરિકો માટે મુસીબતનો પહાડ બની જાય છે. વિવિધ અરજીઓ દ્વારા અતિ મહત્વની સમસ્યાઓ માટે મોકલાયેલા મેસેજ દિવસો સુધી અધ્ધરતાલ રહે છે.
બ્લ્યુ ટિક બંધ હોવાના કારણે નાગરિકને એ પણ ખબર નથી પડતી કે સરકારી બાબુએ મેસેજ જોયો પણ છે કે નહીં. પરિણામે, સમય અને પૈસા બચાવવા માટે શરૂ કરાયેલી ડિજિટલ સેવાના અભાવે નાગરિકોને કચેરીઓના ચક્કર કાપવા પડે છે. સ્ક્રીનશોટ સાચવવા, વારંવાર રીમાઇન્ડર મોકલવા અને ફોન કરવા છતાં પરિણામ શૂન્ય આવે છે. ઝડપી સેવાના નામે સામાન્ય માણસ માનસિક તણાવ ભોગવવા મજબૂર બન્યો છે.
શું વહીવટમાં સંતાકૂકડી ચાલી રહી છે?
શું સરકારી વહીવટમાં બ્લ્યુ ટિક બંધ રાખીને અધિકારીઓ સંતાકૂકડી રમી રહ્યા છે? જો વોટ્સએપનો ઉપયોગ સત્તાવાર સંચાર માટે થતો હોય તો તેમાં પારદર્શિતા અને જવાબદેહી કેમ નહીં? ડિજિટલ ગવર્નન્સ શું માત્ર કાગળ પર જ સીમિત રહેશે? જ્યારે પ્રજાના કામ માટે મોકલાયેલા મેસેજનો જવાબ આપવાનો સમય બાબુઓ પાસે નથી, તો પછી પ્રજાના પૈસાથી તેમના ફોન બિલ ચૂકવવાનું કેમ ચલાવી લેવું?
સરકાર કડક પ્રોટોકોલ બનાવે તે જરૂરી
તજજ્ઞો અને નાગરિક સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે વોટ્સએપ એ સત્તાવાર ફરિયાદ પોર્ટલનો વિકલ્પ નથી, પરંતુ જો અધિકારીઓ પોતે આ માધ્યમથી રજૂઆત સ્વીકારતા હોય, તો ઓછામાં ઓછો પ્રાથમિક પ્રતિસાદ આપવો જ જોઈએ. “મેસેજ મળ્યો છે, સંબંધિત શાખાને મોકલ્યો છે” અથવા “કચેરીમાં સંપર્ક કરવો” જેવો એક ટૂંકો મેસેજ પણ સામાન્ય માણસનો સરકારી તંત્ર પરનો વિશ્વાસ વધારી શકે છે.
પ્રશ્ન એ છે કેઃ
શું રાજ્ય સરકાર આ અંગે કડક ડિજિટલ પ્રોટોકોલ અમલમાં મૂકશે?
શું સરકારી કામ માટે વપરાતા તમામ અધિકારીઓના વોટ્સએપ નંબર પર બ્લ્યુ ટિક (રીડ રિસિપ્ટ) ચાલુ રાખવું ફરજિયાત કરવામાં આવશે?
શું વોટ્સએપ મેસેજનો ચોક્કસ સમયમર્યાદામાં પ્રાથમિક જવાબ આપવા માટે સ્પષ્ટ નિયમાવલી બનાવવામાં આવશે?
શું વોટ્સએપ સિસ્ટમને સત્તાવાર ફરિયાદ નિવારણ પોર્ટલ સાથે જોડવામાં આવશે?
જ્યાં સુધી સરકારી અધિકારીઓ મેસેજ વાંચીને તેનો જવાબ આપવાની નૈતિક ફરજ નહીં સમજે, ત્યાં સુધી એક્ટિવ ડિજિટલ ગવર્નન્સ માત્ર એક દેખાડો બનીને રહી જશે. ડિજિટલ ગુજરાતનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થશે જ્યારે નાગરિકનો મેસેજ વાંચવા છતાંય માત્ર અનરીડ રહેવાને બદલે બ્લ્યુ ટિક થઈને તેની સમસ્યાનો સકારાત્મક ઉકેલ લાવશે.


