Homeગુજરાતીચંદ્રની સપાટી પર આ રીતે ઊભું છે વિક્રમ લેન્ડર,પ્રજ્ઞાન રોવર દ્વારા ક્લિક...

ચંદ્રની સપાટી પર આ રીતે ઊભું છે વિક્રમ લેન્ડર,પ્રજ્ઞાન રોવર દ્વારા ક્લિક કરાયેલી તસવીર; ઈસરોએ જાહેર કરી

બેંગલુરુ: ISROએ લેન્ડર વિક્રમની નવી તસવીર જાહેર કરી છે. આ તસવીરની ખાસિયત એ છે કે તે પ્રજ્ઞાન રોવરમાં લગાવેલા કેમેરામાંથી લેવામાં આવી છે. ઈસરોએ અત્યાર સુધી જાહેર કરેલી તમામ તસવીરો વિક્રમ લેન્ડરના કેમેરામાંથી લેવામાં આવેલી તસવીરો છે. પ્રથમ વખત પ્રજ્ઞાન રોવરમાં લાગેલા કેમેરામાંથી લેવામાં આવેલી તસવીર સામે આવી છે.

ચંદ્રની સપાટી પર ઉતરાણ પહેલા અને પછીની તસવીરો પણ લેન્ડર વિક્રમના કેમેરામાંથી લેવામાં આવી હતી. લેન્ડર વિક્રમમાં લગાવેલા કેમેરામાંથી ચંદ્રની સપાટી પર ચાલતા રોવર પ્રજ્ઞાનનો વીડિયો પણ કેદ કરવામાં આવ્યો હતો. લેન્ડર વિક્રમની આ તસવીર આજે સવારે રોવર પ્રજ્ઞાન દ્વારા લેવામાં આવી હતી. આ તસવીર રોવરના ઓનબોર્ડ નેવિગેશન કેમેરા દ્વારા લેવામાં આવી હતી.

આ પહેલા મંગળવારે ઈસરોએ મહત્વની માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે સાધનમાં અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે.

ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરી છે. તેમણે કહ્યું – ‘રોવર પર લગાવવામાં આવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. અપેક્ષા મુજબ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે. હાઇડ્રોજનની શોધ ચાલુ છે. LIBS સાધન ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS)/ISRO, બેંગલુરુની લેબોરેટરીમાં વિકસાવવામાં આવ્યું છે. ઈસરોએ કહ્યું કે, ‘હાઈડ્રોજનની હાજરી અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.’

ઈસરોનું મહત્વાકાંક્ષી મિશન ‘ચંદ્રયાન-3’ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો.

સંબંધિત લેખો

Most Popular