Site icon Revoi.in

સુરતમાં સ્કોર્પિયો કારમાંથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપી પકડાયા

Social Share

સુરત, 28 મે, 2026 : Three accused caught with MD drugs ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે કઠોરગામ વિસ્તારમાંથી એક કાળા કલરની સ્કોર્પિયો કારને રોકીને તપાસ કરતા પ્રતિબંધિત મેફેડ્રોન MD ડ્રગ્સનો કુલ 8.74 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના  ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે પશુપાલન અને વેપારના ઓથા હેઠળ ચાલતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કઠોરગામ વિસ્તારમાંથી એક કાળા કલરની સ્કોર્પિયો કારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ડ્રગ્સ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ 6.18 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરતના  ઉત્રાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન પો.સ.ઈ. આર.ડી.ધાધલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ તથા જાલાભાઇને ખાનગી અને વિશ્વાસુ બાતમીદારે ચોક્કસ બાતમી આપી હતી. બાતમી મળી હતી કે, કઠોરગામ બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ પર એક કાળા કલરની સ્કોર્પિયો કાર (GJ-18-BJ-5799) માં ત્રણ શખસો નશાકારક એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરવા માટે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે ઉત્રાણ પોલીસે સરકારી પંચોને સાથે રાખી તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી કઠોરગામ ખાતે વોચ ગોઠવી રેડ કરી હતી. પોલીસે બાતમી વાળી સ્કોર્પિયો કારને ઘેરીને અંદર તપાસ કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને તપાસ કરતા ચેતનભાઇ ગગુભાઇ ભોકળવા (ભરવાડ) (ઉ.વ.29 ધંધો પશુપાલન, રહે. કિમ (તા. ઓલપાડ, જી. સુરત), મૂળ રહેવાસી. ધોલેરા, અમદાવાદ) મોહમંદ તોસીફ સલીમ શેખ (ઉ.વ.32) ધંધો મજૂરી, રહે. મદિની રેસીડન્સી, કઠોર જકાતનાકા, સુરત) અને યાકીબ જુનેદ શેખ (ઉ.વ.33 ધંધો વેપાર, રહે. સોનીવાડ, કઠોરગામ, સુરત) હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની જડતી લેતા અને સ્કોર્પિયો કારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન MD ડ્રગ્સનો કુલ 8.74 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 87,400 થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી 5 લાખની સ્કોર્પિયો ગાડી, 25,000 ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન, 5,790 ની રોકડી રકમ તેમજ ડ્રગ્સ પેકિંગ માટે વપરાતી પ્લાસ્ટિકની પુશલોક વાળી ખાલી થેલીઓ કબ્જે કરી છે. પોલીસે કુલ 6,18,190 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) 1985ની કલમ 8(સી), 22(બી), 29 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ નશાનો કાળો કારોબાર ક્યાંથી શરૂ થતો હતો અને સુરતમાં તેઓ કોને-કોને આ ડ્રગ્સ સપ્લાય કરવાના હતા, તે દિશામાં ઉત્રાણ પોલીસની ટીમે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version