Site icon Revoi.in

જામનગરમાં રણજીત સાગર સહિત 3 ડેમોના તળિયા દેખાયા, પાણીની સમસ્યા સર્જાશે

Social Share

જામનગર, 13 જુલાઈ, 2026 : Three dams in Jamnagar have run dry; a water crisis is likely to arise. ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદ ખેચાયો છે. અને આગામી સપ્તાહ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી નથી. આમ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં કચ્છમાં સીઝનનો સરેરાશ માત્ર 1.92 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા જ વરસાદ પડ્યો છે. રાજ્યના 25 તાલુકામાં તો બે ઈંચ વરસાદ પણ પડ્યો નથી. પુરતો વરસાદ ન પડતા મોટાભાગના જળાશયોમાં પુરતી જળરાશીનો સંગ્રહ થઈ શક્યો નથી. ત્યારે જામનગર શહેર અને જિલ્લાના રણજીત સાગર સહિત ત્રણ જળાશયોના તળિયા દેખાયા છે. ત્રણેય જળાશયોમાં માત્ર 20 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી જામનગર શહેર પર પાણીની તંગીનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. પાણીની સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગાંધીનગરમાં સચિવને પત્ર લખીને ત્રણેય જળાશયોમાં સૌની યોજના’ હેઠળ નર્મદાનાં નીર ઠાલવવા માગણી કરવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ જામનગર શહેરની આશરે સાત લાખથી વધુની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં હવે માત્ર ગણતરીના દિવસો ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જો આગામી સમયમાં સમયસર અને પૂરતો વરસાદ નહીં આવે, તો શહેરને પીવાના પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પર નિર્ભર રહેવું પડશે. આ બાબતે મ્યુનિ. દ્વારા ગાંધીનગરમાં પાણી પુરવઠા વિભાગના સચિવને પત્ર લખવામાં આવ્યો છે, તો બીજી તરફ વિપક્ષે મનપાની ઢીલી નીતિ ઉપર સવાલો ઉઠાવ્યા છે. શહેરની પાણીની જરૂરિયાત સંતોષતા મુખ્ય ચાર જળાશયો—રણજીતસાગર, સસોઈ, ઉંડ-1 અને આજી-3 ડેમોમાં પાણીની સપાટી ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. સત્તાવાર માહિતી અનુસાર, રણજીતસાગર ડેમમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે સસોઈ, ઉંડ-1 અને આજી-3 ડેમમાં માત્ર જુલાઈ માસના અંત સુધી (આશરે 20 દિવસ) ચાલે તેટલો જ પાણીનો લાઈવ સ્ટોક બચ્યો છે.  જો વરસાદ વધુ ખેંચાશે, તો જામનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાકીદનાં પગલાં લેવા માટે એક ‘હાઈ પાવર કમિટી’ની રચના કરવામાં આવી શકે છે. પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. જેએમસીના વોટર વર્કસ શાખાના અધિકારી નરેશ પટેલે જણાવ્યું કે, પાણીની અછતને પહોંચી વળવા માટે સરકારના પાણી પુરવઠા વિભાગના સચિવ સમક્ષ આગોતરી માંગણી મૂકી દેવામાં આવી છે.

જિલ્લાના ત્રણેય ડેમોમાં પાણીનું લેવલ જાળવી રાખવા માટે ‘સૌની યોજના’ હેઠળ નર્મદાનાં નીર ડેમોમાં ઠાલવવા માટે સરકાર સમક્ષ પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સરકાર તરફથી આ બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ડેમોમાં પાણી નાખવાની કામગીરી હાલ પ્રક્રિયા હેઠળ છે. ટૂંક સમયમાં આ સપ્લાય શરૂ થતાં જ સ્થિતિ નિયંત્રણમાં આવી જશે. જો જળાશયોમાં પાણીની આવક ઓછી રહેશે, તો પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા પાઇપલાઇન મારફતે જામનગર શહેર માટે પાણીનો જથ્થો વધારવામાં આવશે.

Exit mobile version