ગોધરા, 5 મે 2026: Three killed in car accident દિલ્હી-મુંબઈ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા નજીક સર્જાયો હતો. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે કોરિડોર પર ગોધરા નજીક કાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે પરિવારની એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે કોરિડોર પર ગોધરાના ભાટપુરા ગામ નજીક કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સુરતથી કાર મારફતે પોતાના વતન મુડાવડેખ જઈ રહેલો આ પરિવાર એક્સપ્રેસ હાઈવે પર ભાટપુરા પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ કરુણ ઘટનામાં માતા, પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે પરિવારની પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી છે, જોકે તેનો આબાદ બચાવ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો અકસ્માત સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુરતથી વતન જઈ રહેલા પરિવારને કાળ આંબી જતાં મુડાવડેખ પંથકમાં અને મૃતકના સગા-સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

