રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશેઃ ડૉ. ભરતભાઈ પટેલ
બાયડ, 23 મે, 2026 – રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશે તેમ પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. તેઓ સંઘ શિક્ષા વર્ગની સમાપન બેઠકને સંબોધી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનું પંચશીલ વિદ્યાલય, બાયડ ખાતે સમાપન થયું. ૮ મે થી ૨૩ મે દરમિયાન ૮ જિલ્લાના ૧૩૭ શિક્ષાર્થીઓએ પ્રશિક્ષણ લીધું.
સંઘ શિક્ષા વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં શિસ્ત, સમય પાલન, સ્વદેશી, દેશભક્તિ, સેવા ભાવ જેવા વ્યવહારિક વિષયો તથા શારીરિક કાર્યક્રમો અને બૌદ્ધિક કાર્યક્રમ થકી પ્રશિક્ષણ મેળવ્યા બાદ આજે વાદ્યોના તાલે લયબદ્ધ રીતે દંડ, દંડ યુદ્ધ, યોગાસન, સમતા નિયુદ્ધના પ્રયોગો પ્રદર્શિત કર્યા.

આ પ્રસંગે મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત માનનીય સંઘચાલક શ્રી ડોક્ટર ભરતભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે શાખા દ્વારા ઘડાયેલા સ્વયંસેવકોએ પર્યાવરણ, સ્વદેશી, સમરસતા, ખેડૂત, ગૌસેવા, ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં પરિવર્તનનું કાર્ય આગળ વધાર્યું છે. રાષ્ટ્રને આગળ લઈ જવા માટે માત્ર હક નહીં પણ કર્તવ્યો પર ભાર મૂકવો પડશે. પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવું, પાણી બચાવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, પ્રકૃતિ પ્રેમી જીવનશૈલી અપનાવી એ સમયની માંગ છે.
કુટુંબ એ સંસ્કારનું પ્રથમ વિદ્યાલય છે. સપ્તાહમાં એક દિવસ પરિવારના બધા સભ્યો સાથે ભોજન કરે અને એક કલાક ‘મંગલ સંવાદ’ કરે તો પરિવારમાં આત્મીયતા, સંસ્કાર અને સમજણ વધે. દેશમાં જે પરિવર્તનની લહેર દેખાઈ રહી છે, સનાતન મૂલ્યો પ્રત્યે સમાજમાં જે સ્વીકાર વધ્યો છે તે સંગઠિત સમાજશક્તિ સંતોના આશીર્વાદ અને સમાજની શક્તિના સતત પ્રયત્નોનું પરિણામ છે.

વર્ગ દરમિયાન અલગ અલગ વિષયની પ્રદર્શનની જેવી કે પર્યાવરણ, સેવા વિભાગ, સામાજિક સમરસતા, પુણ્ય ભૂમિ ભારત,પંચ પરિવર્તન, સંઘ શતાબ્દી વર્ષના કાર્યક્રમો, જનજાતિ નાયકોના બલિદાન, ભારતના સંવિધાનની પ્રદર્શનની, વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષની પ્રદર્શનની મૂકવામાં આવી અને વર્ગ દરમિયાન પધારેલ સજ્જન શક્તિએ પ્રદર્શનની નિહાળી.


