AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા-વિચારણા
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit 2026 નવી દિલ્હીમાં યોજાઈ રહેલી AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે. આજે દિવસ દરમિયાન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ – કૃત્રિમ બુદ્ધિમત્તા વિષય ઉપર અલગ મુદ્દે મહત્ત્વની ચર્ચા – વિચારણા થશે.
16 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ સમિટ 20મી સુધી ચાલશે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના મહાકુંભ તરીકે પણ ઓળખાવવામાં આવી રહ્યો છે. આ 5 દિવસીય એઆઈ મહાસંમેલન ‘India AI Impact Summit 2026’ માં ટેક દિગ્ગજો ઉપરાંત અનેક દેશોના રાજકારણીઓ અને ટોચના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે.
આ એઆઈ ઇવેન્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, જેની ઝલક ઇવેન્ટમાં ઉમટેલી ભીડ જોઈને મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરીની સાંજે ‘એઆઈ ઇમ્પેક્ટ સમિટ એક્સ્પો’ નું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાં વિવિધ સ્ટોલનું અવલોકન કરીને દેશના સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત સંસ્થાઓની એઆઈના મોરચે થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.
MeitYના સેક્રેટરી એસ. કૃષ્ણનના જણાવ્યા અનુસાર, 2.5 લાખથી પણ વધુ લોકોએ આ ઇવેન્ટ માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું, જે આ શિખર સંમેલન માટે લોકોનો ઉત્સાહ દર્શાવે છે. આ ઇવેન્ટને બે ભાગમાં વહેંચવામાં આવી છે, જે અંતર્ગત મુખ્ય ‘ભારત મંડપમ‘ ભવનમાં સરકાર અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોની બેઠકો અને કોન્ફરન્સ ચાલી રહી છે. આ ઉપરાંત, પેવેલિયન એરિયામાં સામાન્ય મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
આ એઆઈ સમિટને ત્રણ મુખ્ય સૂત્ર: જન-ધરતી અને પ્રગતિ એટલે કે ‘પીપલ, પ્લેનેટ અને પ્રોગ્રેસ’ માં વહેંચવામાં આવી છે. 5 દિવસ સુધી ચાલનારી આ સમિટમાં 700 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એઆઈ સેફ્ટી, ગવર્નન્સ અને ઇથિકલ યુઝ (નૈતિક ઉપયોગ) થી લઈને ડેટા પ્રોટેક્શન સુધીની ચર્ચા કરવામાં આવશે. ઇવેન્ટમાં વૈશ્વિક નેતાઓ સમાવેશી અને પ્રભાવશાળી એઆઈના ભવિષ્યના એજન્ડા પર વાત કરશે.


