દેશની જીડીપીનું શાનદાર પરફોર્મન્સ, ત્રિમાસિક દર 7.8 ટકા રહ્યો
નવી દિલ્હી, 5 જૂન 2026: દેશની જીડીપીનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો હોવાનું સરકારે જાહેર કર્યું છે. જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન દેશનો જીડીપી (GDP) ગ્રોથ અત્યંત શાનદાર રહ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશની ઇકોનોમી 7.8% ની ઝડપે વધી છે, જ્યારે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર (ઇકોનોમિક ગ્રોથ) 7.7% રહ્યો છે.
મોસ્પી (MoSPI) એટલે કે કેન્દ્રીય આંકડા મંત્રાલય દ્વારા શુક્રવારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સરકારના આંકડા મુજબ, આ ગ્રોથ ફેબ્રુઆરીના બીજા અંદાજમાં દર્શાવેલા 7.6% કરતાં પણ વધુ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25 માં દેશનો રિયલ જીડીપી ગ્રોથ 7.1% રહ્યો હતો. માર્ચ 2026 ની ત્રિમાસિક ગાળા પહેલાં ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ની ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 8% નોંધાયો હતો.
રૂ. 346 લાખ કરોડને પાર પહોંચ્યો નોમિનલ જીડીપી
શુક્રવારે જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ 2024-25 ના 7.1% ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન ભારતનું અર્થતંત્ર 7.7% ની ઝડપી ગતિએ વધ્યું છે. કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે, ‘વર્ષ 2024-25 માટે જીડીપીના પ્રથમ સુધારેલા અંદાજ (FRE) ના રૂ. 299.89 લાખ કરોડની સરખામણીએ, વર્ષ 2025-26 માં વાસ્તવિક જીડીપી (અથવા સ્થિર ભાવો પર જીડીપી) રૂ. 323.12 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ છે.’
પ્રવર્તમાન ભાવો પર જીડીપી (અથવા નોમિનલ જીડીપી) વર્ષ 2025-26 માં રૂ. 346.36 લાખ કરોડના સ્તરે પહોંચવાની ધારણા છે, જે વર્ષ 2024-25 માં રૂ. 318.07 લાખ કરોડ હતો, જે 8.9% નો ગ્રોથ રેટ દર્શાવે છે.
GVA ગ્રોથ 7.9% નોંધાયો
દેશની આર્થિક પ્રગતિને વધુ નજીકથી દર્શાવતો ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) ગ્રોથ જાન્યુઆરી-માર્ચ 2026 ની ત્રિમાસિકમાં 7.9% નોંધાયો છે, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે પણ જીવીએ (GVA) નો વિકાસ દર આટલો જ રહ્યો છે.
આંકડા મંત્રાલયે આ જીડીપી આંકડાઓની ગણતરી નવા બેઝ યર (આધાર વર્ષ) 2022-23 ના સ્કેલ પર કરી છે. સમય સાથે અર્થતંત્રમાં આવતા મોટા ફેરફારોને સામેલ કરવા માટે સમયાંતરે બેઝ યર બદલવામાં આવે છે.
જીડીપીની આ નવી સિરીઝમાં ફેરફાર માત્ર 2022-23 ના બેઝ યરને લઈને જ નથી કરાયો, પરંતુ આર્થિક અંદાજોને વધુ મજબૂત બનાવવા માટે તેમાં હવે ઘરોમાં કામ કરતા કૂક/મેઇડ, ડ્રાઇવર અને ડોમેસ્ટિક સ્ટાફની સેવાઓ સાથે જોડાયેલા ડેટાને પણ સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે જીએસટી (GST) નેટવર્ક અને ઇવી (EV) ડેટાબેઝને પણ સાંકળી લેવાયો છે.
ચાલુ વર્ષે કેવો રહેશે જીડીપી ગ્રોથ? આરબીઆઈએ આપ્યો અંદાજ
વર્તમાન નાણાકીય વર્ષ 2026-27 માં દેશનો જીડીપી ગ્રોથ થોડો નબળો રહી શકે છે. આરબીઆઈ (RBI) ગવર્નરના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષ દરમિયાન ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 6.6% રહેવાનો અંદાજ છે. અગાઉ આરબીઆઈએ રિયલ જીડીપી ગ્રોથ રેટ 6.9% રહેવાનો અંદાજ જાહેર કર્યો હતો. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે વૈશ્વિક આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 6.9% થી ઘટાડીને 6.6% કરવામાં આવ્યો છે.
આરબીઆઈના મૂલ્યાંકન મુજબ:
પ્રથમ ત્રિમાસિક (Q1) માં જીડીપી વૃદ્ધિ દર 6.6% રહેવાનો અંદાજ છે.
બીજા ત્રિમાસિક (Q2) માં 6.3% રહી શકે છે.
ત્રીજા ત્રિમાસિક (Q3) માં 6.5% રહી શકે છે.
ચોથા ત્રિમાસિક (Q4) માં 6.8% રહેવાની સંભાવના છે.
જો કે, અર્થતંત્ર માટે કેટલાક સારા સંકેતો પણ છે. દેશનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર મજબૂત સ્થિતિમાં છે. વેપારીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને લોકો મન મૂકીને ખર્ચ કરી રહ્યા છે, જેના કારણે બજારમાં માંગ સારી છે. આ સાથે જ, ખર્ચ વધવા છતાં સરકારી અને ખાનગી બંને રોકાણોમાં તેજી જોવા મળી રહી છે. એપ્રિલ 2026 માં વસ્તુઓ અને સેવાઓની નિકાસમાં (Goods and Services Export) પણ સારો ઉછાળો જોવા મળ્યો છે.


