Site icon Revoi.in

ગાંધીનગરમાં સેકટર-1થી સચિવાલય સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરાયો

Social Share

ગાંધીનગરઃ પાટનગરમાં ગિફ્ટસિટી સુધી મેટ્રો ટ્રેનની સુવિધા અપાયા બાદ તબક્કાવાર મેટ્રોનું કામ પૂર્ણ થતાં સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હવે સેકટર-1થી સચિવાયલ સુધી મેટ્રોનું કામ પૂર્ણ થતાં ટ્રાયલ રન લેવાયો હતો. જે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. ટ્રાયલ પૂર્ણ થતાં હવે એપ્રિલમાં જીએમઆરસી સેક્ટર-10 એ અને સચિવાલય સ્ટેશન ઉપરાંત મેટ્રો રૂટના ઈન્સ્પેક્શન માટે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીને જાણ કરાશે. ત્યારબાદ મંજુરી મળતા આગામી તા. 25 જૂન સુધીમાં સચિવાલય સુધી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. સચિવાલય સુધી મેટ્રો દોડતી થતાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ બેથી અઢી હજાર લોકો નોકરી માટે જતા લોકો તેમજ અન્ય સરકારી કામ માટે જતાં લોકોને સચિવાલય સુધી મેટ્રોની સુવિધા મળી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી સચિવાલય જવા માટે થલતેજ તેમજ વસ્ત્રાલથી આવનારા પ્રવાસીઓએ  ઈન્કમટેક્સ જૂની હાઈકોર્ટ સ્ટેશનથી મેટ્રો ઈન્ટરચેન્જ કરવી પડશે. જીએમઆરસીના સૂત્રોના કહેવા મુજબ મેટ્રો  ફેઝ-2માં મોટેરાથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રોની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં મોટેરાથી સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી કામ પૂર્ણ થતાં ત્યાં મેટ્રોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. પરંતુ ત્યાંથી સચિવાલય જવા માટે લોકોને ફાયદો મળતો ન હોવાથી કર્મચારીઓએ વહેલી તકે સચિવાલય સુધી મેટ્રો શરૂ કરવાની માગણી કરી હતી. જો કે હવે સેક્ટર-1થી સેક્ટર-10એ સ્ટેશન તેમજ સચિવાલય સ્ટેશનનું તેમજ રૂટ પર ઈલેક્ટ્રીફિકેશન સહિત અન્ય કામગીરી પૂર્ણ થતાં જીએમઆરસી દ્વારા મેટ્રોનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં સચિવાલય સુધી મેટ્રો જતાં ત્યાંથી લગભગ એક કિલોમીટર આગળ આવેલા અક્ષરધામ ફરવા જવા માગતા લોકોને પણ મેટ્રોનો ફાયદો મળી રહેશે. સચિવાલય સ્ટેશનથી લગભગ મહાત્મા મંદિર સુધીના રૂટનું પણ જીએમઆરસી દ્વારા ઝડપી કામગીરી કરાઈ રહી છે. હાલ આ રૂટ પર પણ લગભગ 70 ટકા જે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ડિસેમ્બરના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે. જેથી લોકો મેટ્રોમાં અમદાવાદથી સીધા મહાત્મા મંદિર સુધી જઈ શકશે. હાલ 21 કિમી રૂટ પર મેટ્રો દોડી રહી છે. સેક્ટર-1 સુધી કુલ 15માંથી 8 સ્ટેશન શરૂ કરાયા, જ્યારે 7 સ્ટેશન બંધ છે. જૂન સુધી બીજા બે સ્ટેશન સેક્ટર-10એ અને સચિવાલય શરૂ થશે