ન્યૂયોર્ક, 26 ઓગસ્ટ 2026: અમેરિકાએ સિરિયાને તેના ‘સ્ટેટ સ્પૉન્સર્સ ઑફ ટેરરિઝમ’ એટલે કે આતંકવાદ પ્રાયોજક દેશોની યાદીમાંથી સત્તાવાર રીતે હટાવી દીધું છે. લગભગ 45 વર્ષ સુધી આ યાદીમાં રહ્યા બાદ અમેરિકાનું આ પગલું સિરિયા માટે એક મોટો કૂટનીતિક અને આર્થિક બદલાવ માનવામાં આવી રહ્યો છે. આ યાદીમાં સામેલ હોવાને કારણે સિરિયા પર અનેક પ્રકારના નાણાકીય અને વેપારી પ્રતિબંધો લાગુ હતા, જે હવે હટી જવાથી દેશમાં વિદેશી રોકાણ અને આર્થિક ગતિવિધિઓ માટે નવો રસ્તો સાફ થવાની પૂરી સંભાવના છે.
અમેરિકાએ સૌપ્રથમ 1979માં સિરિયાને આતંકવાદ પ્રાયોજક દેશોની યાદીમાં સામેલ કર્યું હતું. સાડા ચાર દાયકા સુધી સિરિયા આ યાદીમાં રહ્યું હતું, પરંતુ હવે દેશમાં અસદ સરકારના પતન અને નવી સરકાર દ્વારા ISIS, અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો સામે લેવાયેલા મહત્વપૂર્ણ પગલાંઓને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ મોટો નિર્ણય લીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ગત 8 જુલાઈ 2026ના રોજ સિરિયાને આ યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ અમેરિકી કોંગ્રેસને 45 દિવસની સમીક્ષા પ્રક્રિયાનો સમય આપવામાં આવ્યો હતો અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ 24 ઓગસ્ટે સિરિયાને સત્તાવાર રીતે આ યાદીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ સિરિયાની નવી સરકારના પ્રયાસોની સરાહના કરી છે.
-
હવે આ યાદીમાં કયા દેશો બાકી છે?
સિરિયાના બહાર થયા બાદ હવે અમેરિકાની આતંકવાદ પ્રાયોજક દેશોની યાદીમાં માત્ર ત્રણ જ દેશો બચ્યા છે, જેમાં ઈરાન, ક્યુબા અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. આ યાદીમાં રહેલા દેશો પર અમેરિકા દ્વારા કઠોર આર્થિક અને નાણાકીય પ્રતિબંધો લાદવામાં આવે છે, જે તેમની અર્થવ્યવસ્થાને ગંભીર અસર કરે છે. સિરિયા લાંબા સમયથી ગૃહયુદ્ધ અને ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકી પ્રતિબંધો અને આતંકવાદ પ્રાયોજક દેશના લેબલને કારણે વિદેશી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ માટે સિરિયા સાથે વેપાર કરવો અત્યંત મુશ્કેલ બન્યો હતો. હવે આ મોટી અડચણ દૂર થવાથી આંતરરાષ્ટ્રીય રોકાણ અને વ્યાપારી અવસરો માટે નવા દ્વાર ખૂલશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ બેંકે વર્ષ 2025માં સિરિયાના પુનઃનિર્માણનો કુલ ખર્ચ આશરે 216 અબજ ડૉલર આંક્યો હતો, ત્યારે આ નિર્ણય દેશના વિકાસ માટે રાહતરૂપ સાબિત થશે.


