નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2026 – નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આશ્ચર્યજનક ખુલાસા થયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં બીએ, બીએસસી, બીકોમ જેવા ડિગ્રી કોર્સ દેશમાં બેરોજગારી વધારવા માટે જવાબદાર છે. આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ડિગ્રી આજના સમય મુજબ અપડેટ થયેલી નથી અને આ કોર્સનો અભ્યાસ નોકરી અપાવવા માટે પૂરતો નથી.
જૂના અભ્યાસક્રમ પર ચાલી રહ્યા છે કોર્સ
નીતિ આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ડિગ્રી કોર્સ જૂના અભ્યાસક્રમોના આધારે ચલાવવામાં આવી રહ્યા છે. આજના જમાનામાં આ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ જરૂરી સ્કિલ મેળવી શકતા નથી અને ત્યારબાદ તેમને નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે.
ઘણા વિદ્યાર્થીઓ માત્ર સરકારી નોકરી માટે કરે છે આ કોર્સ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઘણી સરકારી નોકરીઓમાં પાત્રતા તરીકે ગ્રેજ્યુએશન ફરજિયાત હોય છે. તેના કારણે વિદ્યાર્થીઓ બીએ, બીએસસી, બીકોમ જેવા ડિગ્રી કોર્સની પસંદગી કરે છે જેથી સરકારી નોકરીની પાત્રતા મેળવી શકે.
બદલાવની પણ ભલામણ
નીતિ આયોગે ડિગ્રી કોર્સમાં પરિવર્તન કરવાની ભલામણ પણ કરી છે. આયોગે સરકારને એજ્યુકેશન સિસ્ટમને જોબ ઓરિએન્ટેડ બનાવવાની ભલામણ કરી છે. આયોગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોર્સમાં પરિવર્તન કરીને યુનિવર્સિટી અને કૉલેજોમાં વર્તમાન સિલેબસને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અનુસાર અપડેટ કરવામાં આવે. વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ઇન્ટર્નશિપની સુવિધા આપવામાં આવે જેથી તેઓ વાસ્તવિક સ્વરૂપની માહિતી મેળવી શકે. આ સાથે જ સ્કિલને સુધારવા અને વોકેશનલ તથા રોજગાર સાથે જોડાયેલા કોર્સ આમાં સામેલ કરવા પર પણ વિચાર કરવામાં આવે, તેવી ભલામણ નીતિ આયોગ દ્વારા કરવામાં આવી છે.


