ગુજરાતના 3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન
ગાંધીનગર, 6 જાન્યુઆરી 2026 : બાળકોના સર્વાંગી વિકાસ તથા તેમને વધુ સુપોષિત બનાવવાના ઉમદા ઉદ્દેશથી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ રાજ્યભરમાં આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. બાળકોના ભવિષ્યને પાયાથી જ વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ નવનિયુક્ત કર્મચારીઓ આઈ.સી.ડી.એસ. યોજનાના સુદ્રઢ અમલીકરણમાં સહભાગી બને તે હેતુથી સમગ્ર રાજ્યમાં ૩,૬૯૧ કાર્યકરોને બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ એ બાળકોના પ્રારંભિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો એક સેતુ છે. તાલીમ પામેલા કાર્યકરો હવે આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ દ્વારા બાળકોને રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ આપશે, જેથી આંગણવાડીના બાળકોમાં શાળાએ જવાની રુચિ વધશે. વિવિધ એપ્લિકેશન અને મોડ્યુલના ઉપયોગ દ્વારા બાળકોની પ્રગતિનું ટ્રેકિંગ વધુ સચોટ બનશે, જે સીધી રીતે બાળકોમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો કરશે.

માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટેનો મુખ્ય આધારસ્તંભ આંગણવાડી કાર્યકર છે. તાલીમ બાદ કાર્યકરો બાળકોના માનસિક અને સામાજિક વિકાસ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને વિષય નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ કાર્યકરો બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વહીવટી જાણકારી આપવાનો નથી, પરંતુ આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો છે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર્સ, CDPO અને સુપરવાઈઝર દ્વારા પોષણ સંગમ અને ICDS યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર્સ દ્વારા વિવિધ સરકારી એપ્લિકેશનના અમલીકરણ માટે કાર્યકરોને તાલીમબદ્ધ કરાયા છે.

આધુનિક સમયની જરૂરિયાત મુજબ આંગણવાડીની કામગીરીને વધુ પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જિલ્લા કક્ષાના વિષય નિષ્ણાંતો દ્વારા વિવિધ સરકારી એપ્લિકેશન અને મોડ્યુલના અમલીકરણ અંગે પ્રશિક્ષણ અપાયું હતુ. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અને પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા કિશોરીઓ અને બાળકો માટેની યોજનાઓના ડિજિટલ ટ્રેકિંગ અંગે માહિતગાર કરાયા હતા.
આ તાલીમ દ્વારા નવનિયુક્ત કાર્યકરો પોતાના કાર્યક્ષેત્રમાં હાજર થતાની સાથે જ જવાબદારીઓ પ્રત્યે સજ્જ થયા છે. રાજ્ય સરકારના આ પગલાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકોના પોષણ સ્તરમાં વધુ સુધારો થશે અને પ્રાથમિક શિક્ષણનો પાયો વધુ મજબૂત બનશે, જે ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


